એક મોટી ચોરી
- 1970માં, ગંધમર્દન બ્લોક-બીની ખાણનો પટ્ટો ઓડિશા માઇનિંગ કોર્પોરેશન (ઓએમસી)ને આપવામાં આવ્યો હતો.
- 2013માં શાહ પંચે આ ખાણમાં અનેક ગેરરીતિઓ તરફ ધ્યાન દોર્યું હતું, જેમાં 2000 થી 2006 દરમિયાન જરૂરી વન મંજૂરી વિના 12 લાખ ટનથી વધુ અયસ્કનું ખનન કરવાનો સમાવેશ થાય છે. કેઓંઝર જિલ્લા અદાલતમાં વન સંબંધિત બે ગુનાહિત કેસ ચાલી રહ્યા છે.
- જાન્યુઆરી 2015માં, રાજ્ય સરકારે ઓએમસી વતી 1,590 હેક્ટર જમીન પર વાર્ષિક ઉત્પાદન વધારીને 92 લાખ ટન કરવા માટે વન મંજૂરી માટે અરજી કરી હતી. આ વિસ્તારમાં સાત આદિવાસી ગામોમાં ફેલાયેલું 1,400 હેક્ટરથી વધુનું જંગલ સામેલ છે.
- ઓએમસીના અંદાજ મુજબ આ અયસ્કનું વાર્ષિક વેચાણ મૂલ્ય 2,416 કરોડ રૂપિયા છે. તે આગામી 33 વર્ષ સુધી આ વિસ્તારમાં કુલ 30 કરોડ ટન અયસ્કનું ખનન કરવાનો પ્રસ્તાવ ધરાવે છે.
- પર્યાવરણ અને વન મંત્રાલય હાલમાં આ વન મંજૂરીના પ્રસ્તાવ પર વિચારણા કરી રહ્યું છે.
સ્ત્રોત: જસ્ટિસ એમ.બી. શાહ કમિશનનો ગેરકાયદેસર ખનન અંગેનો તપાસ અહેવાલ; ગંધમર્દન બ્લોક-બી માટેની વન મંજૂરીની દરખાસ્ત
“હું તો આમ ઊડિયામાં સહી કરું છું. મેં જિંદગીમાં ક્યારેય અંગ્રેજી ભણ્યું જ નથી. તો હું અંગ્રેજીમાં સહી કઈ રીતે કરું?” આમ કહેતાં ઉરુમુંડા ગામના ગોપીનાથ નાયક પોતાની સાઈકલ પરથી ઉતર્યા, તેમના ચહેરા પર આશ્ચર્ય અને ગૂંચવણના ભાવ સ્પષ્ટ દેખાતા હતા
નાયક, જેઓ તેમના ગામની વન અધિકાર સમિતિના સભ્ય છે, તેમણે હમણાં જ એક અંગ્રેજી સહી જોઈ, જે તેમની હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ સહી તેમના ગામની હોવાનો દાવો કરાયેલા એક ગ્રામસભાના ઠરાવને પ્રમાણિત કરે છે.
આ ઠરાવમાં ઉરુમુંડાના ગ્રામજનોની 853 હેક્ટર વનભૂમિ ઓડિશા માઇનિંગ કોર્પોરેશન (ઓએમસી)ને સોંપવાની સંમતિ નોંધવામાં આવી છે. ઓડિશા રાજ્ય સરકાર અને ઓએમસી દ્વારા જાન્યુઆરી 2015માં પર્યાવરણ, વન અને જલવાયુ પરિવર્તન મંત્રાલય (એમઓઈએફસીસી) ને વન મંજૂરી માટેની અરજીના ભાગરૂપે સુપરત કરાયેલા સાત એકસરખા ગ્રામસભા ઠરાવોમાંનો આ એક છે.













