ઉનાળાની એક આળસુ બપોર હતી. મારાં દાદી, કુસુમ વણકુન્દ્રે, જેઓ 80 વર્ષથી વધુ વયનાં છે, મારી બાજુમાં ખુરશી પર બેસીને તોરણ ગૂંથી રહ્યાં હતાં. હું કૉલેજની રજાઓ હોવાથી ઘરે જ હતો અને વેકેશનની મજા માણી રહ્યો હતો. બહાર એટલી ગરમી હતી કે ઘરની બહાર પગ મૂકાય એમ નહોતો. મુંબઈમાં 39.7 ડિગ્રી સેલ્સિયસ તાપમાન હતું – જે છેલ્લા એક દાયકામાં સૌથી વધુ હતું. બપોરે જમ્યા પછી થોડી સુસ્તી ચડી હતી, અને જૂની યાદો વાગોળી રહેલાં મારાં દાદી સાથે હું પણ સફરની મજા માણી રહ્યો હતો.
“મારો જન્મ મહારાષ્ટ્રના સાતારા જિલ્લાના એક નાનકડા ગામ, વડગાંવમાં થયો હતો. ત્યાં જયરામ સ્વામીનું એક ખૂબ જૂનું મંદિર હતું, જેમાં ૩૩ કોટિ દેવતાઓ [33 પ્રકારનાં વૈદિક દેવી-દેવતાઓ] બિરાજમાન હતા. હું જે શાળામાં ભણતી હતી, એ શાળા મંદિરના વિશાળ પ્રાંગણમાં જ ભરાતી હતી. રમવા માટે મોકળું મેદાન હતું! શાળા છૂટ્યા પછી અમે હુતુતુતુ, કબડ્ડી, લંગડી જેવી રમતો રમતાં. નાગપંચમીના તહેવારના દિવસે, કેટલીક છોકરીઓ ફુગડી રમતી અને ગીતો ગાતી. હું અને મારી ચાર નાની બહેનો ખૂબ ધમાલ-મસ્તી કરતાં.”
“શાળા માત્ર ધોરણ 7 સુધી જ હતી. ત્યાર પછી મેં ગૂંથણ અને સિલાઈકામ શીખી લીધું. હું ખેતરમાં પણ મદદ કરતી. મારા પિતાજી પાસે એક ખેતર હતું. ‘શેતી હોતી પણ મુંબઈલા કામાલા હોતે ઓફિસમધ્યે કામ કરાયચે પિયુન મ્હણૂન’ (તેમની પાસે ખેતર હતું, પણ તેઓ મુંબઈમાં કામ કરતા હતા. તેઓ એક ઑફિસમાં પટાવાળા તરીકે નોકરી કરતા હતા). અમારો પરિવાર ગામમાં જ રહેતો હતો. જમીન અમારી પોતાની હતી. આજે પણ તે જમીન અમારી પાસે છે. મારો ભાઈ તેની દેખરેખ રાખે છે. કુલ 3 એકર જમીન છે. તે સમયમાં આ જમીનની માલિકી આઠ લોકોની સહિયારી હતી; મારા પિતાજી, તેમના ભાઈઓ અને સગા-સંબંધીઓ. તે વખતે લગભગ 23-24 એકર જમીન હશે.”
“આ આઠેય માલિકો બે મરાઠા મજૂરોને દૈનિક મજૂરી પર રાખીને બાજરી, મગફળી, મગ વાવતા હતા. અમે મગફળી લણતાં, ચણા તોડતાં, કે પછી જ્યારે વાંગી મ્હણા [રીંગણ], પાવટ્યાચ્યા શેંગા [સરગવાની શિંગો], હરભર્યાચી ભાજી [ચણાની ભાજી] જેવી શાકભાજી ઉગાડી હોય તો એ વીણતાં. આ બધું કામ કરતાં કરતાં હું ક્યારે 20 વર્ષની થઈ ગઈ એ ખબર જ ન પડી.”
“ટૂંક સમયમાં જ મારા લગ્નની વાતો શરૂ થઈ ગઈ. મુંબઈથી એક માગું આવ્યું અને મારા લગ્ન નક્કી થઈ ગયા. 1965માં, અમે બધાં મુંબઈ જવા રવાના થયાં. હું, મારાં માતા-પિતા, ભાઈ-બહેનો, કાકા-કાકી, અમે સૌ મુંબઈ ગયાં. વડગાંવથી રહેમતપુર સુધી બસમાં અને ત્યાંથી રાતની ટ્રેન પકડીને મુંબઈ પહોંચ્યાં.”
“ગામની બહાર આ મારો પહેલો પ્રવાસ હતો અને હું પહેલી વાર મુંબઈ આવી રહી હતી. ‘મુંબઈચી ગર્દી પાહૂન થોડં ગડબડલ્યાસારખં ઝાલં’ [મોટા શહેરની ભીડ જોઈને હું થોડી ડઘાઈ ગઈ હતી]. ત્યાં પહોંચ્યાના બીજા જ દિવસે મારાં લગ્ન થઈ ગયાં અને હું અંધેરીમાં મારા સાસરિયે આવી ગઈ. મારા મિસ્ટર [પતિ] કર્ણાટકના વતની હતા. તેઓ એક ઑટોમોબાઈલ કંપનીમાં લાઇનમેન તરીકે નોકરી કરતા હતા. મેં દાગીના બનાવવાનું એટલે કે મંગળસૂત્ર ગૂંથવાનું કામ શરૂ કર્યું. બસ, આ રીતે અમારા લગ્નજીવનની શરૂઆત થઈ. બે દીકરા અને એક દીકરી થયાં. અને હવે બે પૌત્રીઓ અને બે પૌત્રો છે.”
મેં મારાં દાદીમાને પૂછ્યું: “અને તમે મુંબઈની બહાર પણ ગયેલાં છો, એમ?”
“કન્યાકુમારી, કલકત્તા, જયપુર, કાશી, કાશ્મીર. અને તારા દાદાજી સાથે તો સિંગાપોર અને નેપાળ પણ ગઈ છું.”
પણ આજી, તમારી સૌથી મનગમતી સફર કઈ હતી?
“કાશીની. એ સફર પર હું મુંબઈ આવ્યાના 30 વર્ષ પછી મારી મા અને બહેન સાથે ગઈ હતી. એ ફક્ત સ્ત્રીઓનો જ પ્રવાસ હતો. મારાં નણંદ આવી સફર પર વારંવાર જતાં હતાં. એમણે મને આ વિશે કહ્યું અને સાથે આવવા કહ્યું. મેં હા પાડી દીધી.”
દાદાજીએ શું કહ્યું હતું? શું તમને ડર નહોતો લાગ્યો? મારા મનમાં સવાલો ઊઠી રહ્યા હતા. દાદીમા જે વાર્તા કહી રહ્યાં હતાં તે અચાનક રોમાંચક બની ગઈ હતી. મેં તેમને આખી જિંદગી એક સૌમ્ય, માયાળુ અને વહાલસોયાં વૃદ્ધ મહિલા તરીકે જ જોયાં હતાં, જેઓ રાંધતાં, ગૂંથણ કરતાં, હંમેશાં હસતાં રહેતાં અને પરિવારની સેવા કરતાં. એક એવી વ્યક્તિ કે જે હંમેશાં ઘરમાં જ રહી હતી, સાચા અર્થમાં એક આદર્શ ગૃહિણી. પણ હવે અચાનક, મને તેમના આ હિંમતભર્યા અને અદ્ભુત સાહસ વિશે જાણવા મળી રહ્યું હતું, જે તેમણે સાડા ત્રણ દાયકા પહેલાં તેમનાં મા અને બહેન સાથે ખેડ્યું હતું. મારે વધુ જાણવું હતું.
”કાંય નાય જા મ્હણૂન સાંગિતલં. ત્યાંચી બહીણચ ન તી. બહિણી બરોબર જાતેસ તર જા. ત્યાં બાયકાંચી સહલ હોતી. તે યેઊ શકત નવ્હતે. [કાંઈ નહીં. તારા દાદાએ કહ્યું કે જા. સાથે તેમની જ બહેન હતી ને? જો તું મારી બહેન સાથે જતી હોય, તો ચોક્કસ જા. તે માત્ર સ્ત્રીઓનો જ પ્રવાસ હતો, એટલે તેઓ આવી શકે તેમ ન હતા. અને મને જવાની બહુ ઈચ્છા હતી. મારા મનમાં કોઈ જાતનો ડર કે ચિંતા ન હતાં]. ફિરાયલા જાયચય મગ ભીતી કસલી વાટનાર’ [ફરવા જવું હોય તો પછી ડર શેનો લાગે?]”
“હું ત્યારે 50 વર્ષની હતી. શાલન આજી [તેમનાં બહેન] બે વર્ષ નાની હતી. મારાં મા લગભગ 72 વર્ષનાં હશે. પહિલી લોકં કાટક હોતી ના રે. આતા આમ્હી કસં કાટક નાહીયે એવઢ્યા. આમચી આઈ કાટક હોતી શેવટપરંત ચાલત હોતી ચાંગલી. [પહેલાંના લોકો ખડતલ હતા. હવે આપણે એટલાં મજબૂત નથી. મારાં મા તો બહુ મજબૂત હતાં, છેક સુધી સારી રીતે ચાલતાં હતાં.] અમે 45 સ્ત્રીઓ એ બસમાં હતી જે અમે 15 દિવસ માટે બુક કરી હતી. મારા બંને દીકરાઓએ મળીને આ સફર માટે મને 4,000 રૂપિયા આપ્યા હતા. અમે કાશી, ઉજ્જૈન, મથુરા અને એવાં 27 યાત્રાધામોની મુલાકાત લીધી હતી…”
હું આંખો પહોળી કરીને, દાદીમાની વધુ એક વાર્તા સાંભળવા માટે તૈયાર હતો...
અનુવાદ સમીક્ષા: પ્રતિષ્ઠા પંડ્યા


