આ વાર્તા પાર્થ એમ. એન. દ્વારા પુલિત્ઝર સેન્ટર દ્વારા સમર્થિત શ્રેણીનો એક ભાગ છે.
પોતાના પિતરાઈ તરફથી મળેલી યુટ્યુબ ચેનલની એક લિંક અમોલ ખાંડેકરની માસિક આવકના બમણા કરતા વધારે રકમ ઓઇયાં કરી ગઈ હતી. અને તે બનાવટ નહોતી.
35 વર્ષના આ શ્રમિક માંડ માંડ બે છેડા ભેગા કરી શકતા હતા, તેમણે લિંક જોઈ અને વહેલી સવારની બસમાં ચડી બેઠા. તેમની સાથે તેમનો 11 વર્ષનો દીકરો અને તેમની બીમાર માતા હતા, તેમના દીકરાને માથામાં ગાંઠ હોવાનું નિદાન થયું હતું અને તેમની માતા નબળા સાંધાથી પીડાતી હતી. રાજ્ય પરિવહનની ખખડધજ્જ બસમાં નવ કલાકની મુસાફરીથી તેમના ઘૂંટણ વધુ અકડાઈ ગયા હતા પણ તે તેમના ભલા માટે જ હતું. અમોલના પિતરાઈએ તેમને ખાતરી આપી હતી કે તેમની સ્વાસ્થ્ય સમસ્યાઓના જવાબો એ યુટ્યુબ ચેનલમાં છે.
આ ચેનલે કપાળ પર સફેદ ચાક લગાવેલા, દાઢીવાળા 'સાધુબાબા' ના હજારો પ્રેક્ષકોને સંબોધતા વિડિઓઝની એક શ્રેણી પ્રસારિત કરી હતી. રાજેન્દ્ર ગડગે 'મહારાજ' પાસે કૌટુંબિક મુશ્કેલીઓથી લઈને દારૂની લત સુધીની, વ્યાવસાયિક અડચણથી લઈને કેન્સર સુધીની, માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓથી લઈને પ્રેમ જીવન સુધીની, દરેક સમસ્યાનો ઉપાય હતો.
તેમની ચેનલ અનુસાર ગડગેએ દત્તનો 12 વર્ષનો આધ્યાત્મિક અભ્યાસક્રમ પૂરો કર્યો હતો, દત્ત એક પૌરાણિક સંતમહાત્મા હતા અને ભગવાન વિષ્ણુના અવતાર તરીકે પૂજનીય હતા. અબાઉટ' ('વિષે') નો વિભાગ ઉમેરે છે કે "તેમની સમર્પિત આધ્યાત્મિકતાના પરિણામે ગડગે મહારાજને દત્તગુરુના આશીર્વાદ પ્રાપ્ત થયા હતા." ત્યારથી "તેઓ દવા અને પ્રાર્થનાની મદદથી તેમના ભક્તોની સમસ્યાઓનું નિરાકરણ કરી રહ્યા છે."
1,83,000 સબ્સ્ક્રાઇબર્સ અને દરેકેદરેક વિડિઓ નીચે ઉત્સાહવર્ધક ટિપ્પણીઓ સાથેની દત્તધામ સરકાર સંગમનેર સત્તાવાર નામ ધરાવતી યુટ્યુબ ચેનલ જોઈ અમોલે વિચાર્યું: "તેઓ કંઈક સારું જ કરી રહ્યા હશે."










