કાંશીરામ ગુડગાંવના બંજારા માર્કેટમાં તેમની દુકાન સામે ઊભા છે. તેમની પાછળ, વાંસ અને તાડપત્રીથી બનેલા એક શેડમાં, વેચવા માટે જાતજાતનું લાકડાનું ફર્નિચર નાનકડી જગ્યામાં ખીચોખીચ ભરેલું પડ્યું છે. તેમનાં પત્ની આશા નજીકમાં બેઠાં છે. તેઓ એક કપડું પલાળીને માથા પર મૂકે છે. દિવસની શરૂઆત થઈ ચૂકી છે, અને દિલ્હીના ઉનાળાની સવાર પણ આકરી હોય છે, પણ તેઓ કહે છે કે માથા પર મૂકેલું ભીનું કપડું તેમને ઠંડક આપશે.
કાંશીરામ કે આશા માટે ગરમી કોઈ નવી વાત નથી. પરંપરાગત લુહારકામ કરતા ગાડિયા લુહાર સમુદાય માટે આગ જાણે તેમની કાયમની સાથી રહી છે. “ઐસી ગર્મી મેં ગરમ ગરમ લોહે કો પીટતે થે… આંચ કે સામને બહુત મેહનત કી હૈ [આવી ગરમીમાં અમે ધગધગતા લોઢાને ટીપતાં હતાં... ભઠ્ઠીની આંચ સામે અમે ખૂબ પરસેવો પાડ્યો છે.]”
ગાડિયા લુહારો મૂળ રાજસ્થાનના છે, જ્યાં તેમને અતિ પછાત વર્ગ (મોસ્ટ બેકવર્ડ ક્લાસ - MBC) તરીકે સૂચિબદ્ધ કરવામાં આવ્યા છે. દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં, જ્યાં તેમની સારી એવી વસ્તી છે, ત્યાં તેમને અન્ય પછાત વર્ગો (અધર બેકવર્ડ ક્લાસીસ - OBCs)માં વર્ગીકૃત કરવામાં આવ્યા છે. તેઓ 98 ટકા વિચરતી અને અર્ધ-વિચરતી જાતિઓનો જ એક ભાગ છે, જેમની પાસે પોતાની જમીન નથી. ભારતમાં વિચરતી જાતિઓમાંથી માત્ર 11 ટકા લોકો જ સરકારી જમીન પર રહે છે. ઘણા ગાડિયા લુહારો તેમનાં બળદગાડાં (ગાડી)માં જ રહે છે અને મુસાફરી કરે છે. આ ગાડાં જ તેમનું હરતુંફરતું ઘર અને કામ કરવાની જગ્યા છે.
કાંશીરામે પોતાના હાથથી બનાવેલાં લોખંડનાં ઓજારો, વાસણો અને અન્ય સાધનો વેચવા માટે ઉનાળાની કાળઝાળ ગરમી અને શિયાળાની કડકડતી ઠંડીમાં રસ્તાઓ પર ભટકીને વર્ષો ગાળ્યાં છે.
પરંતુ છેલ્લા બે દાયકાથી રાજધાની દિલ્હી અને તેની આસપાસ વધી રહેલા તાપમાને તેમને થકવી દીધા છે, અને હવે તેઓએ આમતેમ ફરવાનું બંધ કરી દીધું છે. તેઓ પારીને કહે છે, “આવી ધોમધખતી ગરમીમાં ઘરે-ઘરે ફરવાનો કોઈ મતલબ નથી. એટલે જ અમે એ ધંધો છોડીને આ કામ શરૂ કર્યું છે.”












