વારાણસીના રાજા હરિશ્ચંદ્ર સ્મશાનઘાટ પર દિવસના બીજા અગ્નિસંસ્કાર માટે ચિતા તૈયાર કરતાં કરતાં વિજય કહે છે, “હમારે ચૂલ્હે તો ઇન લાશોં સે જલતે હૈં (અમારા ચૂલા આ મૃતદેહોથી જ સળગે છે).” ધુમાડા અને રાખથી આંખો અને નસકોરામાં બળતરા થાય છે, પણ તેઓ પોતાના હાથથી ધુમાડાને હટાવીને પોતાનો રસ્તો કરી લે છે.
35 વર્ષીય વિજય ચૌધરી બનારસના ડોમ સમુદાયના છે (જે અનુસૂચિત જાતિ તરીકે નોંધાયેલ છે). આ વ્યવસાયમાં તેઓ તેમના પરિવારની ચોથી પેઢી છે – જેઓ ભારતભરમાંથી શોકગ્રસ્ત પરિવારો દ્વારા અગ્નિસંસ્કાર અને અંતિમસંસ્કાર માટે શહેરમાં લાવવામાં આવતા મૃતદેહોની દેખભાળ કરે છે.
અહીંના બીજા ઘણા લોકોની જેમ વિજયના ઘરે પણ લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગેસ (LPG)નું કનેક્શન છે, પણ છેલ્લા 25 દિવસથી ઘરમાં ગેસનો બાટલો ખાલી પડ્યો છે. વિજય પારીને કહે છે, “મેં રિફિલ બુક કરાવવા ફોન કર્યો હતો, પણ સામેથી કોઈ ઉપાડતું જ નથી, બસ રિંગ વાગ્યા કરે છે. 1,000 રૂપિયાના બાટલા [14.2 કિલોગ્રામ] માટે 2,000 રૂપિયા આપવા અમને પોસાય એમ નથી. એટલે અમે અમારી જૂની રીત પર પાછા વળ્યા છીએ – ચિતામાં વપરાયેલા લાકડાના બચેલા ટુકડા પર રસોઈ બનાવવાની. અમે રોજ થોડાં લાકડાં ઘરે લઈ જઈએ છીએ.”















