"કોઈ તેને અડકતું નહોતું; બધાએ પોતપોતાનું અંતર જાળવ્યું હતું. જબ ડોક્ટર સાહબ આયા તો વો ભી હાથ મેં પહન કે, મુંહ ઢંક કે ચેક કર રહા હૈ [ડોક્ટર આવ્યા ત્યારે તેમણે પણ પરીક્ષણ દરમિયાન હાથ-મોજા (ગ્લવ્ઝ) અને માસ્ક પહેર્યા હતા]."
સુનિતા લગુરી હોસ્પિટલોથી પરિચિત છે - પોતાની દીકરીને તેઓ કેટલી વાર ત્યાં લઈ ગયા છે એ તેઓ યાદ કરવા માગતા નથી.
તેમની સાત વર્ષની દીકરી રિયાને થેલેસેમિયા હોવાનું નિદાન થયું ત્યારે તે માત્ર પાંચ મહિનાની હતી. થેલેસેમિયા એક આનુવંશિક રક્ત વિકાર છે, અને રિયાને જે પ્રકારનો થેલેસેમિયા છે તેમાં નિયમિત અને આજીવન લોહી ચઢાવવાની (બ્લડ ટ્રાન્સફ્યુઝનની) સારવારની જરૂર પડે છે. તેથી, સુનિતા તેને મહિનામાં બે વાર હોસ્પિટલ લાવવા માટે ટેવાયેલા છે અને સરકારી હોસ્પિટલના કર્મચારીગણથી પરિચિત છે.
પરંતુ સપ્ટેમ્બર 2025 ની હોસ્પિટલની મુલાકાત તેઓ ક્યારેય ભૂલી શકશે નહીં.
રાજ્યની સ્વામી વિવેકાનંદ નિશક્ત સ્વાવલંબન પ્રોત્સાહન યોજના હેઠળ 1000 રુપિયાની માસિક સહાય માટે અરજી કરવાની આશામાં તેઓ ઘેરથી નીકળ્યા હતા. આ અરજી માટે તેમને વધારાના પરીક્ષણો કરાવવાનું કહેવામાં આવ્યું હતું.
સુનિતા (પરીક્ષણના પરિણામની) રાહ જોતા હતા અને જ્યારે પરિણામ આવ્યું ત્યારે એક પરીક્ષણે બધું જ બદલી નાખ્યું હતું. તેમની દીકરી એચઆઈવી પોઝિટિવ હતી. તેને હ્યુમન ઇમ્યુનોડેફિસિયન્સી વાયરસનો ચેપ લાગ્યો હતો. જો સારવાર ન કરવામાં આવે તો એચઆઈવી ભયજનક એઇડ્સ (એક્વાયર્ડ ઇમ્યુનોડેફિસિયન્સી સિન્ડ્રોમ) તરફ દોરી જઈ શકે છે.
અઠવાડિયાઓ પછી સુનિતાએ કહ્યું હતું, "અમે ક્યારેય એના વિશે સાંભળ્યું નહોતું. અમને ખબર પણ નથી કે આ બીમારી શું છે." રિયા સાથે તેમના એક રૂમના કાચા ઘરની બહાર બેઠેલા સુનિતા હજી પણ આઘાતમાં હતા. તેમના પતિ વિજય ઘણીવાર કામ માટે સ્થળાંતર કરે છે અને આ વખતે તેઓ તેમનું ઘર ફરીથી બનાવવા માટે પૂરતા પૈસા કમાઈને પાછા આવવાની આશા રાખતા હતા. પાંચ જણનો આ પરિવાર ઝારખંડમાં અનુસૂચિત જનજાતિ તરીકે વર્ગીકૃત થયેલ હો સમુદાયનો છે.















