સાધારણ ગોળાકારમાં ટોળે વળીને બેઠેલ પાંચેય જણાએ એકસાથે પાડેલી અસંમતિ અને નિરાશાભરી એક લાંબી ચિચિયારી “આહ....!” અને પછીથી પાંચેયનો ખીખી કરીને હસવાનો અવાજ શાંત ગલીને ચોંકાવી દે છે. અમે દેખીતી રીતે ફરીથી કંઈક મૂર્ખામી કરી હતી. વચ્ચેથી અડધા કરેલા આમલીના ચારેય કચૂકા ઊંધા પડ્યા હતા અને ચાર અલગ અલગ દિશામાં વેરાઈ ગયા હતા. લુડોની રમતમાં પાસા ફેંકીએ એ રીતે અમારે તેમને ફેંકવાના નહોતા. અલ્મના અમને મદદ કરવા ઝડપથી સામેલ થાય છે અને (ફેંકવાની) યોગ્ય તકનીક બતાવે છે. કચૂકા ભેગા કરી અલ્મના કંઈક અંશે લેગ સ્પિન બોલરની ગુગલીને જેમ પોતાના કાંડાના એક ઝડપી, હળવા વળાંક સાથે એ ફેંકે છે ત્યારે અમને ધ્યાનથી જોવાનું કહે છે.
આ વખતે અપેક્ષિત હતું તેમ કચૂકા અસમાન રીતે પડે છે, કેટલાક કચૂકા તેમનો કથ્થઈ ગોળાકાર ભાગ દેખાય એ રીતે ઊંધા પડે છે તો કેટલાક તેમની સફેદ સપાટી દેખાય એ રીતે ચત્તા. કેટલા કચૂકા સફેદ સપાટી દેખાય એ રીતે ચત્તા પડ્યા છે તેના આધારે અલ્મના પોતાના પ્યાદાને - ઘેરા લીલા રંગની તૂટેલી કાચની બંગડીના ટુકડાને - ખસેડશે. તેઓ સમજાવે છે, "એક ગિરતા હૈ તો એક, દો ગિરતા હૈ તો દો, તીન ગિરતા હૈ તો તીન, ચાર ગિરતા હૈ તો ચાર [એક કચૂકો ચત્તો પડે તો તમે એક ચોરસ ખસેડો. બે ચત્તા પડે બે...]." લગભગ ન જેવું કન્નડ જાણતા બહારના બે શિખાઉ લોકોને આ રમત સમજાવવાનો ફરી એક વાર પ્રયાસ કરતા તેઓ ભાંગ્યાતૂટ્યા હિન્દીમાં બોલે છે. તેઓ ચીતરેલા ચોખંડા પર 'અમારા' ટુકડાને ખસેડે છે અને કુશળતાપૂર્વક આમલીના કચૂકા ફરી એકવાર ફેંકે છે. હવે તેમનો વારો છે.





