રાતે, રોડ પડખે, પણ થોડું છેટે સબરપડા (Sabarpara). સબરપડામાં સબરનાં (DNT) અગિયાર ઘર. ઘર કુંચિયા (તા. બંદવાન, જિ. પુરુલિયા, પશ્ચિમ બંગાળ) ગામના છેડે. છેડા પછી શરૂ થતું આછકલું જંગલ આગળ વધતું, ઘનઘોર બનતું, દુઆરસીની પહાડ પર ચડતું, પહાડને જંગલ કરતું. જંગલ ગરીબગુરબાનું પેટિયું રળાય એટલી રોજગારી સાચવીને બેઠેલું, પેટ ભરાય એવાં ફળ-ફૂલ-ભાજી રાખીને બેઠેલું.
[સબર/ખેડિયા સબર/સવર -સમુદાય અને ભારતના વિમુક્ત સમુદાયોને વેઠવો પડતો સામાજિક ભેદભાવ એકસરખો. ઇતિહાસ જોઈએ તો સાંસ્થાનિક અંગ્રેજ-સરકારે Criminal Tribes Actમાં સબર-સમુદાયને પણ 'criminal' જાતિ તરીકે સૂચિત કર્યો હતો. 1952માં ભારત-સરકારે આ કાયદો રદ કર્યો, અને કાયદામાં notified સમુદાયો de-notified થયા, વિમુક્ત થયા. વિમુક્ત થયેલા સમુદાયોમાંના કેટલાક સમુદાયો અનુસૂચિત જાતિની યાદીમાં સામેલ કરવામાં આવ્યા, તો કેટલાક અનુસૂચિત જનજાતિની યાદીમાં અને કેટલાક સમુદાયો અન્ય પછાત વર્ગમાં. રાજ્ય-સરકારે સબર-સમુદાયને અનુસૂચિત જનજાતિની યાદીમાં સામેલ કર્યો છે.]
જંગલમાંથી રોજગારી-ફળ-ફૂલ-ભાજી-બળતણ મેળવતાં ઘર સબરપડામાં. એમાંનું એક ઘર નેપાલી સબરનું. નેપાલીના ઘરમાં ઘલટુ (પતિ) અને ત્રણ બાળકો. બાળકોમાં બે છોકરી, એક છોકરો. મોટી છોકરી નવ વર્ષની, પણ ભણે પહેલા ધોરણમાં! છોકરો ત્રણ વર્ષનો, ચાલે-દોડે-રમે-ઊંઘે. બીજી છોકરી એક વર્ષની. છોકરીને ખોળામાં, કેડમાં અને ઘોડિયામાં ગમે અને ચાલવાનું ફાવે, સમયાંતરે માતાને ધાવે અને ખાવાનું એને ભાવે. પાંચ જણનો મોટો વસ્તાર નાનકડા ઘરમાં રહે.




