આ વાર્તા પાર્થ એમ. એન. દ્વારા પુલિત્ઝર સેન્ટર દ્વારા સમર્થિત શ્રેણીનો એક ભાગ છે.
ચોમાસા પહેલા તેમણે આપેલું વચન ૫૩ વર્ષના દેઉરાવ નાગરેને ફરી- ફરી સતાવી રહ્યું છે.
તેમણે ઘૂંટણસમાણાં પાણીમાં ઊભા રહીને વિનાશક વરસાદથી પોતાની ખેતીની જમીન બચાવવાનો પ્રયાસ કરવામાં સપ્ટેમ્બર મહિનો ગાળ્યો હતો. તેમનું 8 એકરનું ખેતર ચક્લાંબા ગામમાં એક ડુંગરાળ ઢોળાવ પર આવેલું છે, પરિણામે તેને પૂર દરમિયાન વધુ નુકસાન થઈ શકે છે.
તેઓ સમજાવે છે, "પાણી સીધું મારા ખેતરમાં થઈને વહે છે. પાણીના નિકાલ માટેનો રસ્તો બનાવવામાં મેં રોજેરોજ કલાકોના કલાકો ગાળ્યા હતા."
એ તનતોડ મહેનત નિરર્થક પૂરવાર થઈ હતી અને ઘેરા ભયાનક તોફાની વાદળો સામે તેઓ જીતી શક્યા નહોતા. તેમનો કપાસ, જુવાર અને શેરડીનો પાક નાશ પામ્યો હતો, પરિણામે તેમને 3 લાખ રુપિયાથી વધારેનું નુકસાન થયું હતું. ટેકરીઓ પરથી નીચે વહેતા પાણીના બળથી તેમના ખેતરની ઉપરની સપાટીની કેટલીક માટીનું પણ ધોવાણ થઈ જતા તેમની આજીવિકા જોખમમાં મુકાઈ હતી.
જોકે આ નુકસાન કેવી રીતે ભરપાઈ કરી શકાશે એ વિચાર કરતા મહારાષ્ટ્રના મહત્વપૂર્ણ યાત્રાધામોમાંના એકમાં આવેલા એક મંદિર માટે દાન કરવાના પોતે આપેલા વચન મુજબના 1.7 લાખ રુપિયા ઊભા નહીં કરી શકાય એ શક્યતા તેમને વધુ અસ્વસ્થ કરે છે.















