હાથ લંબાવી ખુલ્લી હથેળીમાં નારિયેળ લઈને, હથેળીમાંનું એ નાળિયેર ગોળ ગોળ ફરે, નમે અને પડે એની રાહ જોતા પૂજારી આંજનેયલુ મુદ્દલાપુરમના ખેતરોમાં ફરે છે. છે. અને જે જગ્યાએ હાથમાંનું નાળિયેર ગોળ ગોળ ફરી, નમીને પડે એ જગ્યા 'X' ચિહ્નિત સ્થળ છે એની તેઓ અમને ખાતરી આપે છે. અનંતપુર જિલ્લાના આ ગામમાં તેઓ અમને કહે છે, "અહીંથી તમને પાણી મળશે. બરોબર આ સ્થળે બોરવેલ ખોદી જુઓ."
માંડ એક ગામ દૂર, રાયુલુ દોમતિમ્મના નીચા નમીને બીજા એક ખેતરમાં ફરે છે. તેમણે બંને હાથ વડે પકડી રાખેલી મોટા કાંટાવાળી એક ડાળી તેમને રાયલપ્પદોડ્ડીમાં પાણી સુધી પહોંચાડશે. તેઓ સમજાવે છે, "જે જગ્યાએ ડાળીને ઉપરની તરફ ધક્કો લાગે છે ત્યાં બોરવેલ ખોદવાથી પાણી મળે છે." રાયુલુ તેમની આ પદ્ધતિ માટે નમ્રતાપૂર્વક "90 ટકા સફળતા" ના દરનો દાવો કરે છે.
અનંતપુરના એક બીજા મંડળમાં ચંદ્રશેખર રેડ્ડી યુગોથી ફિલસૂફોને મૂંઝવનાર પ્રશ્ન સામે ઝઝૂમી રહ્યા છે. શું મૃત્યુ પછી જીવન છે? રેડ્ડી માને છે કે તેઓ જવાબ જાણે છે. તેઓ કહે છે, "પાણી એ જીવન છે." અને તેથી તેમણે ચાર બોરવેલ કબ્રસ્તાનમાં ખોદ્યા છે. તેમની પાસે તેમના ખેતરોમાં બીજા 32 બોરવેલ છે. અને તેમના ગામ જંબુલાદિનેમાં અલગ અલગ જગ્યાએ આવેલા તેમના પાણીના સ્ત્રોતોને તેમણે 8 કિલોમીટર લાંબી પાઇપલાઇન વડે જોડ્યા છે.
અંધશ્રદ્ધા, ગૂઢવિદ્યા, ભગવાન, સરકાર, ટેક્નોલોજી અને નાળિયેર, બધાને અનંતપુરની પાણીની શોધના મરણિયા પ્રયાસમાં જોતરવામાં આવ્યા છે. એ બધાની સંયુક્ત સફળતાનો દર પ્રભાવશાળી રહ્યો નથી. જોકે પૂજારી અંજનેયલુ જુદો દાવો કરે છે.
નમ્ર, આનંદી સ્વભાવના અંજનેયલુ કહે છે કે (જમીનમાં કઈ જગ્યાએ બોરવેલ ખોદવાથી પાણી નીકળશે એ પારખવાની) તેમની પદ્ધતિ નિષ્ફળ જતી નથી. તેમની આ કુશળતા ઈશ્વરદત્ત છે. તેઓ કહે છે, "જ્યારે લોકો ખોટા સમયે મને આ કામ કરવા માટે દબાણ કરે ત્યારે જ આ પદ્ધતિ આપણને નિરાશ કરી શકે છે." (એક બોરવેલ પોઇન્ટ શોધી આપવાના ભગવાન 300 રુપિયા લે છે). તેઓ હથેળીમાં નાળિયેર ઝૂલાવતાં અમને ખેતરોમાં લઈ જાય છે.









