“હું શોલે ફિલ્મના ઠાકુર જેવો છું.”
રવિન્દ્ર શિંદેના ચહેરા પરનું મજાકિયું સ્મિત એ વાતની ચાડી ખાય છે કે તેમને બોલિવૂડની આ પ્રખ્યાત ફિલ્મના સંજીવ કુમારના પાત્ર સાથે પોતાની સરખામણી કરવી ગમી રહી છે. પણ પછી તેઓ થોડું અટકીને કહે છે, “હું કદાચ વધુ નસીબદાર છું. ઠાકુરે તો પોતાના બંને હાથ ગુમાવ્યા હતા.”
આવી પરિસ્થિતિમાં તેમની જગ્યાએ જો કોઈ બીજું હોત તો કદાચ જીવવાની આશા જ છોડી દીધી હોત, પોતાના જીવન પર મજાક કરવાની વાત તો દૂર રહી. પરંતુ 47 વર્ષીય શિંદે હજુ પણ આવી કડવી રમૂજ કરી જાણે છે.
મહારાષ્ટ્રના યવતમાળ જિલ્લાના ઉમરી ગામમાં 16 એકર જમીનના માલિક, શિંદે કિશોરાવસ્થાથી જ ખંતપૂર્વક ખેતી કરી રહ્યા છે. દુર્ભાગ્યે, ખેતીમાં તેમનો પ્રવેશ એવા સમયે થયો જ્યારે દાયકાઓથી ચાલી રહેલી ખેડૂતોની હાડમારીની શરૂઆત થઈ હતી.
તેમના પિતા ખેતીની આવકથી ઘરનું ગુજરાન સારી રીતે ચલાવી શકતા હતા, પરંતુ જ્યારે શિંદેનાં લગ્ન થયાં અને તેમને બાળકો થયાં, ત્યાં સુધીમાં પરિસ્થિતિ સાવ બદલાઈ ગઈ હતી. વધતી મોંઘવારી, પાકના ઘટતા ભાવ અને આબોહવા પરિવર્તનને કારણે લાંબા દુકાળ જેવી આકરી મોસમની ઘટનાઓને લીધે ખેતીનું દેવું વધતું ગયું.
મહારાષ્ટ્રમાં ખેડૂત પરિવારની માસિક આવક માત્ર 11,492 રૂપિયા છે, જે અત્યંત ઓછી છે. આ સંકટ નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોના આંકડામાં પણ દેખાય છે. 2024માં, ભારતમાં 10,546 ખેડૂતોએ આત્મહત્યા કરી હતી. એટલે કે દરરોજ આત્મહત્યાના 29 કિસ્સાઓ. આ આંકડા પણ હકીકત કરતાં ઘણા ઓછા છે, કારણ કે જમીન પર માહિતી ભેગી કરતી વખતે ઘણી વાર મહિલાઓ, દલિતો, અને આદિવાસીઓને ગણતરીમાં લેવાતા નથી. કાગળ પર, તેમાંથી મોટાભાગના લોકો જે જમીન ખેડે છે તેના માલિક નથી હોતા. તેથી, તેમની આત્મહત્યાને મોટાભાગે “ખેડૂત” આત્મહત્યા તરીકે ગણવામાં આવતી નથી.
મહારાષ્ટ્ર 3,824 આત્મહત્યાઓ સાથે આ યાદીમાં મોખરે છે, જે કુલ આંકડાના 36 ટકા છે. મહારાષ્ટ્રમાં ખેડૂતોની આત્મહત્યાનું મોટું પ્રમાણ વિદર્ભમાં જોવા મળે છે. શિંદેનું ગામ પણ એ જ વિસ્તારનો એક ભાગ છે, જે ખેતીની આ ભયંકર કટોકટી સામે ઝઝૂમી રહ્યું છે.
પણ તેઓને ક્યાં ખબર હતી કે જિંદગી હજુ વધુ મુશ્કેલ બનવાની હતી.














