જ્યારે મસ્જિદની અડોઅડ તેના એક રૂમના ઘરની લીલબાઝેલી દિવાલ પર પહેલવહેલું કોમળ-લીલું પાન ખીલેલું જોયું, ત્યારે અમીના હસી પડી હતી. તેની પાસે તેને બહાર ખેંચી કાઢે એવું કઠણ કાળજું નહોતું. ઘણા સમયથી એણે બહાર જવાનું સાવ બંધ કરી દીધું હતું. કસુવાવડમાંથી સ્વસ્થ થઇ રહેલી એ મોટાભાગના દિવસો એકલી જ વિતાવતી. પણ કસુવાવડ કરતાંય વધારે ભયાનક ઘણું એ પહેલાં જ થઇ ચૂક્યું હતું જેણે એને સાવ ભાંગી નાખેલી. ભયાનકતાના પડછાયામાં રહેતી એની પાસે જવા માટેક્યાંય જવા સ્થળ નહોતું. તે દિવસોમાં તેની આસપાસ ઋજુ કંઈ હોય તો એ હતું આ નાનું, તાજું-લીલું, હૃદયના આકારનું પાંદડું.
કે તે કિબલાહની દિશામાં વધ્યું - તેને શું એક સાવ નજીવી હકીકત ગણવી, કે કોઈ ભેદી નિશાની? આ નક્કી કરવામાં એ અસમર્થ હતી
એક મહિનાની અંદર તો એણે જોયું કે દિવાલમાં પડેલી નાની તડ મોટી પહોળી તિરાડ થઈને ફેલાઈ રહી છે, અને એમાંથી નીકળેલી પેલી ડાળી પણ - લગભગ એક ફૂટ લાંબી, તેની પાતળી શાખાઓમાંથી થોડા વધુ પાંદડા નાજુક રીતે લટકતા હતા. પણ આ બધાથી તેને હજી પણ કોઈ તકલીફ નહોતી. આમ જુઓ તો એ ફરીથી એકવાર થોડી શાતા અનુભવવા લાગી હતી. રમખાણો બંધ થઈ ગયા હતા. અને શેરીઓમાં એ જૂનો લય પાછો ફર્યો હતો. એણે ઘરેથી ભરતકામ કરવાનું શરૂ કર્યું હતું. ઘણીવાર, તે ઘરમાં આમતેમ ફરતી, કામ કરતી, એ પોતાની જાત સાથે વાત કરતી રહેતી, જાણે કોઈ આખરે એને સાંભળી રહ્યું હોય, તેની કસોટીઓ અને આઘાતની સાક્ષી આપી રહ્યું હોય.
દીવાલની પેલી તરફ જે સામેની પેલા લોકોની શેરી બાજુ પડતીત્યાં પીપળો કેટલો ફૂલ્યો ફાલ્યો છે એની એને ક્યાં કંઈ ખબર હતી. એ લોકો સાથે પણ આજકાલ એને ખાસ લેવડદેવસનો સંબંધ નહોતો. તેને ખબર નહોતી કે કોણે ક્યારે કોઈ એ દિવાલ પાછળ પવિત્ર પથ્થરો ગોઠવી ગયેલું, ક્યારે ચમત્કારો થયેલા, ક્યારે એ લોકોએ ઝાડની આસપાસ એક નવું સ્ટ્રક્ચર બનાવવા માટે લોકોના મત એકઠા કરેલા અને ક્યારે એ માટે ભંડોળ પણ ઉભું કરી દીધેલું. એવું લાગતું હતું કે એ પીપળો તેની પીઠ પાછળ કાવતરું કરી રહ્યો ના હોય. એની આ દૈવી અભિવ્યક્તિને ઉખેડી નાખવાનો કોઈ પ્રશ્ન જ નહોતો. તેની આસપાસ તો કંઈ કેટલીય વાર્તાઓ ફરતી હતી; આ ચોક્કસ જગ્યાએ આ ચોક્કસ વૃક્ષ શા માટે છે જેના મૂળમાં ભગવાન વિષ્ણુનો બ્રહ્માનો વાસ છે. પોતાના અજ્ઞાન પર વિચાર કરતાં કરતાં એણે સૂચના વાંચવાનો પ્રયત્ન કર્યો...


