પશ્ચિમ બંગાળમાં ઉજવાતો ‘ગજાન’ કે ‘ચરક’ એ ભગવાન શિવની પૂજાનો એક અનોખો ઉત્સવ છે, જે પરંપરાગત રીતે ચૈત્ર મહિનાના છેલ્લા દિવસે, એટલે કે ચૈત્ર સંક્રાંતિએ યોજાય છે. એક સુખદ સંયોગ એ પણ છે કે આ દિવસ, 14 એપ્રીલ બાબાસાહેબ આંબેડકરનો જન્મદિવસ પણ છે.
પુરુલિયા જિલ્લાના રઘુડીહી ગામમાં, જ્યાં મેં આ ઉત્સવ જોયો, ત્યાં લગભગ પાંચમાંથી ચાર ભાગના ઉપાસકો ‘બૌરી’ સમુદાયના હતા, જે હિન્દુ ધર્મની એક દલિત જ્ઞાતિ છે અને તેઓ બાંકુરા અને બીરભૂમ જિલ્લામાં પણ વસે છે. બાકીના ‘ભક્તોમાં ‘સુનર્હી’ (દારૂ બનાવનાર), ‘ગોયાલા’ (દૂધવાળો) અને ‘કુમોર’ (કુંભાર) જ્ઞાતિના લોકો હતા. આ બધી જ્ઞાતિઓ નિમ્ન વર્ગની ગણાય છે, જોકે, મિદનાપોર જિલ્લાની પ્રભુત્વશાળી ખેડૂત જ્ઞાતિ ‘મહિષ્ય’ પણ આ ઉત્સવ ઉજવે છે.
આપણે આગળ જોઈશું તેમ, પૂજાનું આ સ્વરૂપ નીચલી ગણાતી જ્ઞાતિના લોકોને, જેઓ સામાન્ય રીતે વંચિત, તિરસ્કૃત અને ભેદભાવનો ભોગ બનેલા હોય છે, તેમને શિવ પ્રત્યેની પોતાની ભક્તિ અને પીડા સહન કરવાની અદ્ભુત ક્ષમતા દર્શાવીને, થોડા સમય માટે સમાજમાં માન-સન્માન મેળવવાની એક દુર્લભ તક પૂરી પાડે છે.
બધા ભક્તો યુવાન હતા, મોટાભાગના કિશોરાવસ્થામાં કે 20-22 વર્ષના હતા. આ ‘ભક્ત્યા’ સતત 15 દિવસ સુધી બ્રહ્મચર્યનું પાલન કરે છે અને કઠોર ઉપવાસ રાખે છે, જેમાં તેઓ સવારથી સાંજ સુધી પાણીનું એક ટીપું પણ ગળે ઉતારતા નથી. પણ રાત્રે તેઓ સામાન્ય રીતે થોડું શાકાહારી ભોજન, ખાસ કરીને ફળો અને દૂધ લે છે.
ઉપવાસના છેલ્લા દિવસે, એટલે કે ચૈત્ર સંક્રાંતિએ, બપોરે લગભગ 3 વાગ્યે ગજાન ઉત્સવ મનાવવામાં આવ્યો. ગામની બહાર એકાંત જગ્યાએથી, ભક્તો એક સરઘસમાં પગપાળા અથવા વાંસની પાલખી પર બેસીને, શિવ મંદિરની સામેના મેદાન સુધી વાંકાચૂંકા માર્ગે પહોંચ્યા. ત્યાં, ભક્તોએ શિવભક્તિ દ્વારા મેળવેલી શક્તિઓનું પ્રદર્શન કરીને ઉત્સવને તેની ચરમસીમાએ પહોંચાડ્યો.












