રૂબીના બીબી કહે છે, “હવે કોઈ લાકડાંને ભંગારમાં વેચતું નથી. બધાં પોતાના ચૂલા સળગાવવા માટે તેને સાચવી રાખે છે.” તેઓ પોતાના ઝૂંપડાની બહાર બેઠાં છે અને એક પાટિયાના ટુકડા કરી રહ્યાં છે, જે એક સમયે કોઈ ઘરનો દરવાજો હતો.
પોતાના પાંચ સભ્યોના પરિવારનું પેટ ભરવા વિષે વાત કરતાં રૂબિના કહે છે, “યે દો લગ જાયેંગે [આવાં બે પાટિયાં જોઈશે].” ફેબ્રુઆરી 2026 માં ઈરાન પર યુએસ-ઈઝરાયેલ યુદ્ધ શરૂ થયું ત્યારથી લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગેસ (LPG)ના ભાવ આસમાને પહોંચી ગયા છે. અને હવે બે કિલોનો બાટલો 440 થી 500 રૂપિયામાં મળે છે. યુદ્ધ પહેલાં તેઓ કાળા બજારમાં જે ભાવે ખરીદતાં હતાં તેના કરતાં બમણાથી પણ વધુ.
કચરો વીણનારા આ પરિવાર માટે, રસોઈ બનાવવા માટે લાકડાંનો ભંગાર હવે જીવન જરૂરિયાત બની ગયો છે. એક અઠવાડિયામાં તેઓ માંડ પાંચ કિલો જેટલો ભંગાર ભેગો કરી શકે છે, અથવા રૂબીના કહે છે તેમ, “અમે પાંચ રૂપિયે કિલો લાકડાં ખરીદીએ છીએ.”
તેઓ ઉત્તર-પશ્ચિમ દિલ્હીના ભલસવામાં, કચરો વીણનારા લોકોની વસ્તીમાં રહે છે. અહીંના લગભગ બધા જ લોકો પશ્ચિમ બંગાળના પશ્ચિમ મેદિનીપુર જિલ્લામાંથી આવેલી પહેલી કે બીજી પેઢીના પ્રવાસીઓ છે. તેઓ ત્રણ-ચાર માળ ઊંચા કચરાના પહાડ જેવા ઢગલા પાસે રહે છે. પુરુષો શેરીઓ, ઘરો અને નગરપાલિકાના કચરાના ઢગલામાંથી કચરો વીણે છે. જ્યારે મહિલાઓ પ્લાસ્ટિકની બોટલો, પાઉચ, રબર, કાચ, થર્મોકોલ અને બીજો સામાન છૂટો પાડે છે, જે પછી ભંગારવાળાને વેચવામાં આવે છે.














