પોલીસે એક મહિનાના સમયગાળામાં ત્રણ વખત લાઇબ્રેરી બંધ કરવાનો પ્રયાસ કર્યો. પરંતુ તે ફરીફરી શરુ થતી રહી.
પરીક્ષાના પેપર લીકમાં જોવા મળતા ભ્રષ્ટાચાર અને ગેરરીતિઓને લઈને 20 મી જૂન, 2026 ના રોજ, કોક્રોચ જનતા પાર્ટીએ - એક મીમ પેજ જે યુવા ચળવળમાં પરિવર્તિત થયું હતું તેણે - કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માગણી સાથે દિલ્હીના જંતર મંતર પર ધરણાનું એલાન કર્યું, ઓલ ઇન્ડિયા સ્ટુડન્ટ્સ ફેડરેશન (એઆઇએસએફ) એ આ સ્થળે એક પુસ્તકાલય શરૂ કરવાનો નિર્ણય લીધો. તેની પાછળનો હેતુ એકદમ સરળ હતો.
એઆઇએસએફના રાષ્ટ્રીય પ્રમુખ વિરાજ દેવાંગે જણાવ્યું હતું કે, "આંદોલનકારીઓ માટે, આગામી થોડા દિવસો માટે જંતર મંતર તેમનું ઘર બનવાનું હતું. આખો દિવસ તમે નારા લગાવો અને ભાષણો સાંભળો. પણ તમારી પાસે પોતાને માટે પણ ઘણો સમય હોય છે. આવી પરિસ્થિતિઓમાં પુસ્તકો એક સંપૂર્ણ સાથી છે. (આ પુસ્તકાલય શરુ કરવા પાછળનો) અમારો વિચાર હતો કે આંદોલનકારીઓ અને વિદ્યાર્થીઓ સાહિત્ય વાંચીને તેમની સામાજિક અને રાજકીય ચેતના વધુ સારી કરી શકે."
વિદ્યાર્થી કાર્યકર્તાઓ એક લાકડાનું ટેબલ લઈ આવ્યા અને તેને લાલ કાપડથી ઢાંકી દીધું, તેના પર લખ્યું હતું: 'પ્રધાન નિષ્ફળ જવું પડશે.' દરરોજ પુસ્તકાલય ચલાવતા વિદ્યાર્થી કાર્યકર્તાઓમાંના એક 20 વર્ષના મોહિતે કહ્યું કે પહેલે દિવસે, "અમારી પાસે શિવાજી મહારાજ, ભગતસિંહ અને બાબાસાહેબ આંબેડકર પર પુસ્તકો હતા. ક્રાંતિકારી સાહિત્ય વિનાનો વિરોધ એ વિચારધારા વિનાના નેતા જેવો છે. સાહિત્ય આંદોલનકારીઓને પ્રતિકાર અને બળવો કેવી રીતે કરવો એ અંગેનું માર્ગદર્શન આપે છે."









