એક તરફ મુંબઈનો ખૂણેખૂણો મેટ્રો અને એક્સપ્રેસવે દ્વારા એકબીજા સાથે જોડાય છે ત્યારે બીજી તરફ દામુ નગરના રહેવાસીઓને ઘરથી પાંચ મિનિટ દૂર સુધી જવા માટે પચાસ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. એમને જવું હોય છે પોતાના ઘરથી પેલા મેદાન સુધી, જ્યાં હજી આજે પણ તેમને ખુલ્લામાં શૌચક્રિયા કર્યા વિના છૂટકો નથી. રહેવાસીઓના જણાવ્યા મુજબ એ મેદાન સુધી પહોંચવા માટે તેઓએ એક ફૂટની દીવાલ ઓળંગ્યા પછી કચરાના ઢગલામાંથી પસાર થવું પડે છે, જેમાંથી મળની તીવ્ર દુર્ગંધ હવામાં ફેલાતી રહે છે. એ સૂકા ઘાસવાળું એક ખુલ્લું મેદાન છે, અને અહીંના થોડા વૃક્ષો કદાચ થોડી ગોપનીયતા માટે થોડો છાંયો પૂરો પાડતા હશે?
ખરું પૂછો તો ના. લાંબા સમયથી દામુ નગરમાં રહેતા 51 વર્ષના મીરા યેડે કહે છે, "અહીં ગોપનીયતા જેવી કોઈ વસ્તુ જ નથી. જો અમે મહિલાઓ કોઈના પગલાનો અવાજ સાંભળીએ, તો અમારે ઊભા થઈ જવું પડે છે." સમય જતાં ધીમે ધીમે આ મેદાન મહિલાઓ અને પુરુષોને ઉપયોગ કરવા માટે અનુક્રમે ડાબા અને જમણા એમ બે કાલ્પનિક વિભાગોમાં વિભાજિત કરવામાં આવ્યું છે. પરંતુ મીરા કહે છે, "એ બે વિભાગો વચ્ચે ખૂબ જ ઓછું અંતર છે: માંડ થોડા મીટર દૂર. આમ પણ એને માપ્યું છે કોણે?" બે વિભાગો વચ્ચે કોઈ ભૌતિક અવરોધ કે દીવાલ નથી.
દામુ નગરના રહેવાસીઓ, જેમાંના ઘણા પહેલી કે બીજી પેઢીના ગ્રામીણ સ્થળાંતરિતો છે, તેમને માટે, આ એક એવી સમસ્યા છે જે મુંબઈ ઉત્તર મતવિસ્તારના આ ભાગમાં કંઈ કેટલીય ચૂંટણીઓ આવી ને ગઈ છતાંય હજી હલ થઈ નથી. આ એક એવી સમસ્યા છે જે આજે ભારતમાં તેની 18મી લોકસભા માટે સંસદના 543 સભ્યોને ચૂંટવા તબક્કાવાર મતદાન થઈ રહ્યું છે ત્યારે પણ તેમને પરેશાન કરે છે. મીરાના દીકરા પ્રકાશ યેડે કહે છે, "અને તેમ છતાં, આજે એવી એક વાર્તા ઉપજાવી કાઢવામાં આવી છે કે દેશમાં બધું જ સરસ છે." પ્રકાશ તેમના ઘરના દરવાજા પર અમારી સાથે વાત કરી રહ્યા છે. તેમના ઘરની છત પતરાની શીટની છે, જે ઘરની અંદરની ગરમીમાં કદાચ થોડીક ડિગ્રીનો વધારો કરે છે.
30 વર્ષના પ્રકાશ કહે છે, "દેશના આ ભાગોની વાસ્તવિક સમસ્યાઓ વિશે કોઈને વાત જ કરવી નથી." તેઓ ધ્યાન દોરે છે કે શૌચાલય, પાણી, વીજળીની પહોંચ ન હોવાને કારણે દામુ નગરના 11000 થી વધુ રહેવાસીઓને કેટકેટલી અગવડ અને કેટકેટલા જોખમોનો સામનો કરવો પડે છે. દામુ નગર, એક ઝૂંપડપટ્ટી, જેને વસ્તીગણતરીમાં ભીમ નગર તરીકે પણ નોંધવામાં અને ઓળખવામાં આવે છે, તેમાં ખખડી ગયેલી દીવાલો અને તાડપત્રી ને પતરાની છતવાળા 2300 થી વધુ ઘરો છે. આ ઘરો સંજય ગાંધી રાષ્ટ્રીય ઉદ્યાનની અંદર એક ટેકરી પર આવેલા છે. આ ઘરો સુધી પહોંચવા તમારે ગટરના વહેતા પાણીમાં પગ ન પડે તેનું ધ્યાન રાખીને સાંકડા, ઊંચાનીચા, ખડકાળ રસ્તાઓ પર ચડીને જવું પડે.





















