કાદિર અલી હવે ક્યારેય મારી સાથે વાત નહીં કરે.
નવેમ્બર 2025 માં હું તેમને છેલ્લી વાર મળ્યો ત્યારે તેઓ ભાગ્યે જ બોલી શકતા હતા. પતરાની છતવાળા તેમના નાના ઘરમાં ફક્ત ખાંસીનો ધીમો અવાજ સંભળાતો રહેતો. આગળના આંગણામાં કેટલીક મરઘીઓનો પીછો કરતા કૂકડાનો અવાજ પણ અશુભ લાગતો હતો. અંદર પથારીવશ કાદિર લાકડાના ખાટલા પર સૂતા હતા, તેમની તબિયત દેખીતી રીતે જ વધુ ખરાબ લાગતી હતી.
અગાઉ તેઓ મદદ વિના ચાલી શકતા હતા, ભૂતકાળની વસ્તુઓને યાદ કરી શકતા હતા અને તેમના નબળા અવાજમાં થોડી વાત કરી શકતા હતા. પરંતુ નવેમ્બર સુધીમાં તેઓ પથારીવશ થઈ ગયા હતા, તેમના લકવાની પરિસ્થિતિ વકરી હતી અને તેઓ તેમના હાથ પણ માંડ ખસેડી શકતા હતા. જોકે કાદિર ભાનમાં હતા, તેઓ પોતે જે ભૂમિ પર જન્મ્યા હતા ત્યાં રહેવાના પોતાના અધિકાર માટે આજે વર્ષોથી જેટલી બહાદુરીથી લડ્યા હતા એટલી જ બહાદુરીથી હજી પણ જિંદગી માટે લડી રહ્યા હતા.
કાદિરના 33 વર્ષના દીકરા શાહિદુલ ઇસ્લામ આસામના ગમારિગુડી ગામમાં તેમના ઘરના વરંડામાં ઊભા રહીને અમારી સાથે વાત કરી રહ્યા હતા, "લગભગ પંદર દિવસ પહેલા તેમને તાવ આવ્યો હતો અને તેમના શરીરમાં લોહીનું સ્તર ઘટી રહ્યું હતું." તેમણે કહ્યું, "હવે તેઓ નથી ખાઈ શકતા, નથી વાત કરી શકતા કે નથી હલનચલન કરી શકતા. ખબર નથી તેઓ કેટલો વખત અમારી સાથે રહેશે."
કાદિર હજી પણ સંપૂર્ણપણે જાગૃત અને સભાન હતા, જાણે કોઈ આશાનો તાંતણો ઝાલીને ટકી રહ્યા હતા. જોકે, એ આશા, એકમાત્ર દરવાજા મારફત અને તેમના પતરાના છાપરામાંની નાનકડી તિરાડ મારફત અંદર પ્રવેશેલા સૂર્યના છેલ્લા કિરણો જેટલી, ક્ષણભંગુર નીવડી હતી.
અમારી મુલાકાતના થોડા જ દિવસોમાં, 18 મી નવેમ્બર, 2025 ના રોજ, કાદિર મૃત્યુ પામ્યા. તેઓ 66 વર્ષના હતા.











