એનું નામ થોડું કુતુહલ ઉપજાવે એવું હતું – ટાઇમ પાસ. એ દિવસોને યાદ કરતાં કહે છે, “કેહેર બરપા થા [ચારેકોર તબાહી મચી હતી].” તેઓ ઉમેરે છે, “બોહોત લાશ જલાયા થા ગિનતી કે બહાર હો ગયા થા [કેટકેટલી લાશો બાળી હશે. ગણી ગણાય નહીં એટલી].”
ગંગા કિનારે આવેલા પટનાના સૌથી જૂના સ્મશાનઘાટ, બાંસ ઘાટ પર કોવિડ-19એ દસ્તક દીધીને પાંચ વર્ષ વીતી ગયાં છે, અને 21 વર્ષીય ટાઇમ પાસ ફરી પાછા ગુમનામીના અંધકારમાં ખોવાઈ ગયા છે. મહામારી દરમિયાન તેઓ થોડા સમય માટે લોકોની નજરમાં આવ્યા હતા. પણ હવે તેઓ આ શહેરમાં કોઈની નજરે ચડ્યા વિના, વિસ્થાપિત અને બેરોજગાર અવસ્થામાં ભટકી રહ્યા છે.
કોઈ નિયમિત કામ કે આવક વગર આમતેમ ભટકતા આ યુવાન જાણે પોતાના નામ ‘ટાઇમ પાસ’ને સાર્થક કરી રહ્યા હોય તેવું લાગે છે.
પરંતુ તેમનું આ નામ કોઈ એવાં કારણસર નહોતું પડ્યું. તેના માટે તેમના કાકા જુગનુ રામ જવાબદાર છે. તેમના જન્મ સમયે, જુગનુ રામ સની દેઓલની ફિલ્મ જોઈને પાછા ફર્યા હતા. અને જ્યારે ઘરની સ્ત્રીઓએ તેમને નવરા બેસી રહેવા બદલ ચીડવ્યા, ત્યારે તેમણે એ મજાક આ છોકરાના નામ તરીકે આગળ ધપાવી દીધી!
ટાઇમ પાસ કહે છે, “હવે તો જે કામ મળે એ કરી લઉં છું.” તેઓ જે કામ મળે છે તેની ગણતરી કરાવતા કહે છે, “હું મેટ્રોમાં શૌચાલય સાફ કરું છું, ક્યારેક ગટરો, ક્યારેક કોઈ સડેલું ડુક્કર ઉપાડું છું, તો ક્યારેક કોઈ બિનવારસી લાશના અંતિમ સંસ્કાર કરું છું. હું કચરો પણ વીણું છું.”
જ્યારે પણ આ શહેરને તેના મૃત, સડી રહેલા અને ત્યજી દેવાયેલા મૃતદેહોને હટાવવાની જરૂર પડે છે, ત્યારે તે ટાઇમ પાસ જેવા લોકો તરફ જ જુએ છે. હવામાં કોઈ મરેલા જાનવરની દુર્ગંધ ફેલાય, તો ટાઇમ પાસને બોલાવવામાં આવે છે. રેલ્વે ટ્રેક પર કોઈની કચડાયેલી લાશ પડી હોય, તો ફરી ટાઇમ પાસને જ યાદ કરાય છે. શહેરના કોઈ ખૂણામાં કોઈ બિનવારસી લાશ મળે, તો પોલીસની જીપ મોકલવામાં આવે છે, અને તેઓ પોસ્ટમોર્ટમ રૂમની બહાર રાહ જોતા ઊભા હોય છે.
તેમને એટલા માટે નથી બોલાવવામાં આવતા કે તેઓ આ કામમાં તાલીમ પામેલા છે, પરંતુ એટલા માટે કે તેઓ ડોમ સમુદાયના છે. ડોમ સમુદાયને મહાદલિત તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યો છે – જે બિહારના સૌથી વંચિત સામાજિક જૂથોમાંનો એક છે. 2023ના તાજેતરના જ્ઞાતિ સર્વેક્ષણ મુજબ, તેમની સંખ્યા 2,63,512 છે, જે રાજ્યની 13.1 કરોડની વસ્તીના માત્ર 0.20 ટકા છે.
તેઓ હિન્દુ સમાજ વ્યવસ્થાના સૌથી નીચલા સ્તરે પીડાઈ રહ્યા છે. મોટાભાગે તેઓ પ્રભુત્વ ધરાવતી જ્ઞાતિઓ દ્વારા તેમના પર લાદવામાં આવેલા વ્યવસાયમાં ફસાયેલા છે. આ વ્યવસાય છે મૃતકોના અંતિમ સંસ્કાર કરવાનું અથવા તો સફાઈનું કામ.

















