કે.એન. મહેશા એક પ્રશિક્ષિત પ્રકૃતિવિદ છે, જેમણે અગાઉ વાણિજ્યનો અભ્યાસ કર્યો હતો. તેઓ અને તેમના પિતા કુનગહલ્લી ગામમાં ખેતી કરે છે. જ્યારે તેઓએ આ નિબંધ માટે ફોટોગ્રાફ્સ લીધા, ત્યારે તેઓ બાંદીપુર રાષ્ટ્રીય ઉદ્યાનમાંથી બિનજરૂરી વનસ્પતિને દૂર કરવા માટે એક સ્થાનિક બિન-સરકારી સંસ્થા સાથે કામ કરી રહ્યા હતા.
તેમનો ફોટો નિબંધ વન્યજીવન સાથે જીવવા વિશેના એક મોટા સહયોગી ફોટોગ્રાફી પ્રોજેક્ટનો ભાગ છે, અને પારી પર આધારિત છ નિબંધોની શ્રેણીમાં ચોથો છે. 27 વર્ષના મહેશા કહે છે, “જ્યારે મને કૅમેરો આપવામાં આવ્યો, ત્યારે શરૂઆતમાં મને ખબર નહોતી કે શું ક્લિક કરવું અને મને ફોટા પાડવામાં ખૂબ જ શરમ આવતી હતી. પછી મને જે કંઈ નવું અને રસપ્રદ લાગ્યું તે હું ક્લિક કરવા લાગ્યો. મને આ પ્રોજેક્ટ ખૂબ ગમ્યો; તેના દ્વારા, આપણે જોઈએ છીએ કે ગામડાઓમાં શું થઈ રહ્યું છે.”














