ભૂખ હડતાળ, 165 દિવસની રેલીઓ, રસ્તા રોકો, ધારાસભ્યોને અરજીઓ, મૃત્યુ પામ્યા હોવાના દેખાવો, ગંદકીમાં ડૂબકી...
સરકાર તેમની માગણીઓ ધ્યાનમાં લે એ માટે ચેન્નાઈમાં મ્યુનિસિપલ કામદારોએ ખૂબ લાંબો સમય ખૂબ તીવ્ર વિરોધ કર્યો હતો. આ ફક્ત વિરોધ નહોતો; એ શહેરના સૌથી પીડિત લોકો દ્વારા સંચાલિત એક ઐતિહાસિક સંઘર્ષ હતો, એ લોકોએ ચૂપચાપ પરિસ્થિતિને સ્વીકારી લેવાનો ઇનકાર કર્યો હતો, વિરોધ પ્રદર્શન કર્યા હતા.
ડિસેમ્બર 2025 માં બોલતા એક અનુભવી સફાઈ કામદાર એમ. મહાલક્ષ્મીએ સરકાર તરફથી પ્રતિભાવના અભાવને (લોકોની માનસિકતામાં) ઊંડે સુધી ખૂંપેલા નાતજાતના ભેદભાવ તરીકે ઓળખાવ્યો હતો. "અમે 130 દિવસથી વધુ સમયથી વિરોધ કરી રહ્યા છીએ, પણ કોઈ જવાબ મળ્યો નથી. મંદિરના કાર્યકરોને કોઈ જ પ્રકારનો વિરોધ કર્યા વિના કાયમી નોકરીઓ આપવામાં આવી હતી. નર્સોની માગણીઓ એક અઠવાડિયામાં પૂરી કરવામાં આવી હતી. પરંતુ જ્યારે દલિત સફાઈ કામદારો એ જ પ્રકારના ગૌરવની માંગ કરે છે ત્યારે સરકાર ચૂપ રહે છે."





















