કજલૈયાના વાર્ષિક તહેવારની તૈયારીઓ નવ દિવસ અગાઉ બુંદેલખંડ અને બઘેલખંડ પ્રદેશના લોકો માટીનાં વાસણોમાં ઘઉં મૂકે ત્યારથી જ શરૂ થઈ જાય છે. તેમને કાળજીપૂર્વક ઉછેરવામાં આવે છે અને એક વાર તેઓ અંકુરિત થાય, ત્યારે આ અનાજની પૂજા કરવામાં આવે છે. આ અંકુરિત અનાજ, જેને ખુજલૂ તરીકે ઓળખવામાં આવે છે, તેને પછી સાદડીમાં મૂકવામાં આવે છે અને સ્ત્રીઓ તેને માથા પર ઊંચકીને લઈ જાય છે અને મંદિરમાં જતા સમયે પરંપરાગત લોકગીતો ગાય છે.
આ સ્ત્રીઓ શહડોલ જિલ્લાના પચગાંવના મંદિરમાં જાય છે ત્યારે ઢોલકી (ડ્રમ) પણ વગાડતાં અને ગાતાંમમતા કહે છે, “અમે કજલૈયાને ખૂબ જ ઉત્સાહથી ઉજવીએ છીએ.”
આ તહેવાર મધ્ય પ્રદેશ અને ઉત્તર પ્રદેશના ભાગોમાં ફેલાયેલા આ પ્રદેશો માટે ખાસ છે. આને સ્થાનિકો દ્વારા એકતાના તહેવાર તરીકે જોવામાં આવે છે, અને તે લોકોને માફ કરવાનો અને આગળ વધવાનો સમય છે. લોકો માને છે કે કોઈને ખુજલૂ અર્પણ કરવાથી સ્વીકૃતિ મળે છે અને સુમેળતા ફરી સ્થપાય છે. બ્રાહ્મણો અને રાજપૂતો જેવા ઉચ્ચ જાતિના સમુદાયો ધ્વજા શોભાયાત્રાનું આયોજન કરે છે અને તેમના ઘરોમાં પૂજા વિધિઓ કરે છે. આદિવાસી ગોંડ અને બૈગા આદિવાસી સમુદાયો લોકગીતો અને નૃત્યો સાથે આની ઉજવણી કરે છે.
મંદિરની સંભાળ રાખતા રામસ્વરૂપ વિશ્વકર્મા કહે છે, “અહીં મેળા જેવું વાતાવરણ હતું. આ તહેવારની ઉજવણીમાં ભાગ લેવા માટે દૂર દૂરથી ભીડ એકઠી થતી હતી. ભજન-કીર્તનના અવાજથી વાતાવરણ ગુંજી ઉઠતું અને આખું ગામ આનંદથી જીવંત થઈ જતું.”


