દેવેશ્વરી માટે શાળાનું કામ બપોરે 2 વાગ્યે પૂરું થઈ જાય છે, પરંતુ તેમનું કામ ત્યાં પૂરું થતું નથી. ખભા પર થેલો લટકાવીને અને માથા પર સુતરાઉ દુપટ્ટો ઓઢીને, તેઓ 40 ડિગ્રી સેલ્સિયસની કાળઝાળ ગરમીમાં બહાર નીકળે છે. તેઓ પોતાના ઘરે જવાને બદલે લાકડાં શોધવા નીકળી પડે છે. તેઓ કહે છે, “હું આ પ્રાથમિક શાળામાં શિક્ષક છું. પરંતુ મારા વિદ્યાર્થીઓને મધ્યાહ્ન ભોજન મળે તેની ખાતરી કરવાની જવાબદારી પણ મારી જ છે. તેથી, હવે હું બળતણનાં લાકડાં શોધવા જઈશ.”
48 વર્ષીય દેવેશ્વરી નેગી, લખનઉના ગ્રામીણ વિસ્તારમાં આવેલા માલ બ્લોકની રૂદન ખેડા પ્રાથમિક શાળામાં પ્રભારી શિક્ષિકા છે. શાળાનો પાંચેય સભ્યોનો સ્ટાફ મહિલાઓનો જ છે. બે મદદનીશ શિક્ષિકાઓ અને ત્રણ રસોઈયા − જે બાળકો માટે મધ્યાહ્ન ભોજન બનાવે છે.
કેન્દ્રની મધ્યાહ્ન ભોજન યોજના હેઠળ, ઉત્તર પ્રદેશની 1,41,000થી વધુ સરકારી પ્રાથમિક અને ઉચ્ચ પ્રાથમિક શાળાઓમાં 1.5 કરોડથી વધુ વિદ્યાર્થીઓ તાજું, પૌષ્ટિક ભોજન મેળવવા પાત્ર છે. લગભગ આ બધી જ શાળાઓને LPG કનેક્શન આપવામાં આવેલાં છે. પરંતુ અમેરિકા−ઈઝરાયેલ દ્વારા ઈરાન પરના યુદ્ધને કારણે સર્જાયેલી LPGની અછતે બાળકો માટેની આ સૌથી અગત્યની યોજનાને ખોરવી નાખી છે. મોટી સંખ્યામાં શાળાઓને અસર થઈ છે, પરંતુ આ આંકડો કેટલો મોટો છે તે વિશે સત્તાવાર રીતે કોઈ માહિતી પૂરી પાડવામાં આવી નથી.
લગભગ એક મહિનાથી, રોજ શાળા છૂટ્યા પછી, દેવેશ્વરી અને અન્ય ચાર મહિલાઓ ઘરે જવાને બદલે લાકડાં ભેગાં કરવા માટે આખા ગામમાં ફરી વળે છે. નેગી પારીને કહે છે, “અમે ગેસ એજન્સી અને સ્થાનિક લાકડાં વેચનારાઓ પાસે ધક્કા ખાઈ જોયા. અમે અમારા ગામના પ્રધાનને પણ વિનંતી કરી − પણ આવા કપરા સમયમાં તેમની કોઈ મદદ કરી શકે તેમ નથી.”
એક સમયે સહેલાઈથી મળી રહેતાં બળતણનાં લાકડાં હવે લખનઉ શહેરના મોટા વેપારીઓ ખરીદી જાય છે. લાકડાં પૂરા પાડતા સ્થાનિક વેપારી ધર્મેશ યાદવ કહે છે, “અમે અમારો બધો માલ રેસ્ટોરન્ટ અને હોટલોમાં વેચી દીધો છે. એવું નથી કે અમે શિક્ષકો અને વિદ્યાર્થીઓને મદદ કરવા નથી માંગતા, પરંતુ અમારી પાસે સૌને પહોંચી વળાય તેટલાં લાકડાં જ નથી. જે થોડુંઘણું બચે છે તેનાથી અમારી પોતાની રોજિંદી જરૂરિયાતો માંડ પૂરી થાય છે. નહીંતર, અમે શું ખાઈશું?”
વિદ્યાર્થીઓ પણ લાકડાં ભેગાં કરવામાં મદદરૂપ થાય છે. શાળાની છતને અડતી ઝાડની ડાળીઓમાંથી પણ તેઓ નાની−મોટી સૂકી સળીઓ તોડી લાવે છે.










