ઉમા પાટિલના બે ઓરડાના મકાનમાં એક નાના લોખંડના કબાટના એક ખૂણામાં એક દાયકા જુના હસ્તલિખિત રેકોર્ડ છે, જેમાં મોટાં રજિસ્ટર, ચોપડાઓ, ડાયરીઓ અને સર્વેક્ષણ ફોર્મની ફોટોકોપીનો સમાવેશ થાય છે. આ બધા દસ્તાવેજોને પોલિથીનની જાડી બેગમાં એકબીજાની ઉપર મૂકવામાં આવ્યા છે.
આ સતત વધી રહેલા ઢગલામાં જ ગ્રામીણ મહારાષ્ટ્રના મોટાભાગના ભાગની વસ્તીના સ્વાસ્થ્ય સંબંધી ડેટા માન્યતા પ્રાપ્ત સામાજિક આરોગ્ય કાર્યકર્તાઓ (આશા) દ્વારા નોંધવામાં આવે છે — બાળ જન્મ, રસીકરણ, તરુણોના પોષણની વાત, ગર્ભનિરોધક, ક્ષય રોગ અને ઘણું બધા વિશેની માહિતી. ઉમા મહારાષ્ટ્રના સાંગલી જિલ્લાના મિરાજ તાલુકાના આરાગ ગામના લોકોનું ઉપરોક્ત માહિતી 2009થી આ વિશાળ પુસ્તકો રાખી રહ્યાં છે, અને વારંવાર તેમના ગામના લોકોને સ્વાસ્થ્યના મુદ્દાઓ વિશે માહિતી આપવાનો અને માર્ગદર્શન આપવાનો પ્રયાસ કરે છે.
45 વર્ષીય ઉમાની જેમ, સમગ્ર ગ્રામીણ મહારાષ્ટ્રમાં, 55,000 આશા કાર્યકરો દરરોજ તેમનાં ગામડાં માટે મૂળભૂત આરોગ્યસંભાળ સુનિશ્ચિત કરવા માટે લાંબા કલાકો વિતાવે છે. આ કાર્યબળની સ્થાપના 2005માં રાષ્ટ્રીય ગ્રામીણ આરોગ્ય મિશન (એન.એચ.આર.એમ.) ના ભાગરૂપે કરવામાં આવી હતી. સામુદાયિક આરોગ્ય કાર્યકર્તાઓ, જેમાં તમામ મહિલાઓ છે, તેમની નિમણૂક 23 દિવસની તાલીમ પછી કરવામાં આવે છે. એન.એચ.આર.એમ. આદિવાસી ગામડાઓમાં દર 1,000 લોકો માટે (જેમણે ઓછામાં ઓછું ધોરણ 8 સુધી અભ્યાસ કર્યો હોય તેવી) એક આશા અને બિન-આદિવાસી ગામડાઓમાં 1500ની વસ્તી માટે (જેમણે ઓછામાં ઓછું દસમું ધોરણ પાસ કર્યું હોય તેવી) એક આશા ફરજિયાત કરે છે.
લગભગ 15,600 લોકોની વસ્તી ધરાવતા આરાગ ગામમાં ઉમા સાથે અન્ય 15 આશા કાર્યકર્તાઓ દરરોજ સવારે 10 વાગ્યાની આસપાસ બહાર નીકળે છે. મિરાજ તાલુકામાં બેદાગ, લિંગનુર, ખાતવ, શિન્દેવાડી અને લક્ષ્મીવાડી ગામોનું મુખ્ય પીએચસી (પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર) આરાગ ખાતે આવેલું છે — જેમાં લગભગ 47,000ની કુલ વસ્તી માટે 41 આશાઓ કાર્યરત છે.
દરેક આશા મુલાકાત પાછળ, સમય સાથે, તેને સોંપવામાં આવેલા દરેક ઘરની મુલાકાત લે છે, અને સામાન્ય રીતે આ કામ પાછળ દૈનિક પાંચ કલાકની નોકરી કરતાં વધુ સમય વિતાવે છે. ઉમા કહે છે, “જો ઘરો ગામની અંદર હોય, તો બે કલાકમાં 10-15 મુલાકાતો કરી શકાય છે. પરંતુ કેટલાક લોકો ગામના છેડે અથવા ખેતરોમાં રહે છે, તેવામાં ચાર મુલાકાતોમાં પણ પાંચ કલાકથી વધુ સમય જતો રહે છે. અને અમારે ઝાડીઓ, ખેતરો અને કાદવવાળા રસ્તાઓ પગપાળા કાપવા પડે છે. ચોમાસા દરમિયાન તો તે ખૂબ ખરાબ હોય છે.”















