લક્ષ્મી ગાયકવાડ કહે છે, “અમે તો માટીમાં રહેવાવાળા લોકો છીએ, કોંક્રિટની લાદી પર કે ઊંચી ઈમારતોમાં રહેવાવાળા નહીં.” પણ અત્યારે તેઓ જમીનથી કેટલાય ઉપર – 12મા માળે, તેમના પ્રજાપુરપાડાના બે એકરના ખેતરના બદલામાં ફાળવવામાં આવેલા 269 ચોરસ ફૂટના ફ્લેટમાં બેઠાં છે.
લગભગ 75 વર્ષનાં લક્ષ્મી પોતાની આંખોમાં આવેલા આંસુ લૂછતાં કહે છે, “જ્યારે પણ હું નીચે જોઉં છું, ત્યારે મને ડર લાગે છે. એવું લાગે કે જાણે હમણાં જ પડી જઈશ. અમે અહીંનાં નથી. પાડામાં જેવી રીતે મોકળાશથી ફરી શકતી હતી, તેવું અહીં નથી ફરી શકતી.”
તેમનું આ નાનકડું નવું ‘ઘર’ મુંબઈની ઝૂંપડપટ્ટી પુનર્વસન યોજના (એસઆરએ)નો એક ભાગ છે, જે પશ્ચિમી ઉપનગર અંધેરીના ચકાલા વિસ્તારમાં આવેલા એક બિલ્ડિંગ કોમ્પ્લેક્સમાં છે. તે ઉપનગરીય આરે મિલ્ક કોલોનીના પ્રજાપુરપાડાથી લગભગ 3.7 કિલોમીટર દૂર છે.
આ મિલ્ક કોલોનીની સ્થાપના કેન્દ્ર સરકાર દ્વારા 1949માં કરવામાં આવી હતી – જેમાં 3,160 એકર જમીન પર એક દૂધની ફેક્ટરી અને ઢોર માટેના ગોચરનો સમાવેશ થાય છે. આ વિસ્તારમાં 27 આદિવાસી પાડા છે, જેમની કુલ વસ્તી 8,000થી વધુ છે. 1990ના દાયકાની શરૂઆતથી, અહીં ઝૂંપડપટ્ટીઓ પણ ઊભી થવા લાગી છે.
ગાયકવાડનો પરિવાર એ 70 કોકણા આદિવાસી પરિવારોમાંનો એક છે – જેમાં લગભગ 300 લોકોનો સમાવેશ થાય છે – જેમને એપ્રિલ 2017માં તેમના પાડામાંથી વિસ્થાપિત કરવામાં આવ્યા હતા, જ્યારે મુંબઈ મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ (એમએમઆરસી) એ 26 હેક્ટરના વિસ્તારમાં ફેલાયેલા ડેપો અને શેડ બનાવવા માટે જમીનનો કબજો લઈ લીધો હતો.
આ 70 પરિવારોને, આરેના સરીપુત નગરના લગભગ 100 પરિવારો સાથે, 16 માળની એસઆરએ બિલ્ડિંગમાં ખસેડવામાં આવ્યા હતા. એસઆરએ એ મહારાષ્ટ્ર સરકારની એક યોજના છે, જે 1995માં શરૂ કરવામાં આવી હતી, જેમાં ઝૂંપડપટ્ટીમાં રહેતા પરિવારોને તેમના ઘરના બદલામાં 250-300 ચોરસ ફૂટના ફ્લેટમાં પુનર્વસન કરવામાં આવે છે.






