જંતર-મંતરના વિરોધ સ્થળની બહાર જ્યારે હું રાહુલને મળી ત્યારે તેમણે મને કહ્યું, “અરે, એ છેલ્લું જ બર્ગર હતું, અને એ ભાઈ લઈ ગયા. માફ કરજો, મેડમ.” તેઓ હજી પણ પોતાની બાઈક પર જ બેઠા હતા, અને તેમની પાછળ બાંધેલી લાલ રંગની ઝોમેટો ડિલિવરી બેગ સાંજના 6.30 વાગ્યે ખાલીખમ દેખાઈ રહી હતી. તેમણે કહ્યું, “બેંગલુરુમાં કોઈકે ‘જેને જોઈએ તે લઈ શકે’ એવા સંદેશા સાથે 30 બર્ગરના પેકેટ મોકલ્યા હતા, જે આ બેગમાં હતા.”
બિહારના દરભંગા જિલ્લાના રાહુલ કુમાર યાદવ, દિવસે અભ્યાસ કરે છે. તેમણે વિરોધ પ્રદર્શનમાં ભાગ લેવા માટે પોતાના અભ્યાસમાંથી વિરામ ન લીધો; બલ્કે, તેમણે સાંજે 6 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી રાત્રિ પાળીમાં ડિલિવરી બોય તરીકે કામ કરવાનું પસંદ કર્યું. તેઓ જે ઓર્ડર પહોંચાડતા હતા તેમાંથી કેટલાક એવા પણ હતા જેના પૈસા બીજા શહેરોમાં બેઠેલા લોકોએ ચૂકવ્યા હતા. આ પાર્સલ અનામી દાતાઓ દ્વારા મોકલવામાં આવ્યાં હતાં અને કોઈ ચોક્કસ વ્યક્તિ માટે નહોતાં - બસ, જંતર-મંતર પર જે કોઈ ભૂખ્યું હોય, તેમના માટે હતાં.
જંતર-મંતર પર વિદ્યાર્થીઓના આ સમગ્ર આંદોલન દરમિયાન, લાઠીચાર્જ અને સામૂહિક અટકાયત જેવી ઘટનાઓ વચ્ચે પણ, ચારેકોરથી ખાણી-પીણીનો સામાન આવતો રહ્યો. બર્ગર, સેન્ડવીચ, પાર્લે-જીનાં પેકેટ અને બીજું ઘણું બધું, જે વિવિધ ઓનલાઈન એપ્સના ‘સર્વિસ ડિલિવરી પાર્ટનર્સ’ (એટલે કે ગીગ વર્કર્સ) દ્વારા પહોંચાડવામાં આવતું હતું. દિલ્હીના ઘરોમાંથી પણ રાંધેલું ભોજન આવતું હતું. અને સૌથી અગત્યનું, નજીકના ગુરુદ્વારામાંથી દાયકાઓથી લોકો માટે ખુલ્લાં લંગર (સ્વયંસેવકો દ્વારા રાંધવામાં અને પીરસવામાં આવતું મફત સામુદાયિક ભોજન) માંથી પણ ભોજન આવતું હતું.








