ધનુષકોડી પહેલાંથી જ એક દૂર દરાજનું, એકલવાયું ને સફેદ રેતીથી છવાયેલું સ્થળ હતું, જે ભારતના દક્ષિણે તમિલનાડુમાં હિંદ મહાસાગર અને બંગાળની ખાડીથી ઘેરાયેલું છે. તે અંગ્રેજો દ્વારા 1914ની આસપાસ નાના બંદર તરીકે વિકસાવવામાં આવ્યું હતું અને પાછળથી તે યાત્રાળુઓ, પ્રવાસીઓ, માછીમારો, વેપારીઓ અને અન્ય લોકોથી ધમધમતું નગર બની ગયું હતું.
અડધી સદી પછી, 1964માં, 22 ડિસેમ્બરની મધ્યરાત્રિએ શરૂ થયેલા અને 25 ડિસેમ્બરની સાંજ સુધી ચાલેલા એક પ્રચંડ ચક્રવાતે રામનાથપુરમ જિલ્લાના રામેશ્વરમ તાલુકામાં આવેલા આ બંદર નગરને બરબાદ કરી દીધું હતું. ચક્રવાતને કારણે ફાટી નીકળેલા પ્રચંડ મોજાઓએ સમગ્ર શહેરને જમીનદોસ્ત કરી દીધું હતું અને જેમાં 1,800થી વધુ લોકોનાં મૃત્યુ નિપજ્યાં હતા. લગભગ 30 કિલોમીટર દૂર પમ્બનથી આવી રહેલી એક ટ્રેન, જેમાં 100થી વધુ લોકો સવાર હતા, તે સંપૂર્ણપણે ડૂબી ગઈ હતી.
ચક્રવાત પછી, આ સ્થળને વિવિધ રીતે લોકો દ્વારા ‘ભૂતિયા નગર’ અથવા ‘રહેવા માટે અયોગ્ય’ કહેવામાં આવતું હતું, અને તેને રાજ્ય દ્વારા પણ સંપૂર્ણ ઉપેક્ષાની સ્થિતિમાં છોડી દેવામાં આવ્યું. જો કે, માછીમારોના લગભગ 400 પરિવારો (એક સ્થાનિક પંચાયત નેતાના અંદાજ મુજબ) હજુ પણ ધનુષકોડીમાં રહે છે, અને આ ઉજ્જડ જમીનને તેમનું એકમાત્ર ઘર માને છે. તેમાંના કેટલાક ચક્રવાતમાંથી બચી ગયેલા લોકો છે જેઓ અહીં 50 વર્ષથી વીજળી, શૌચાલયો અથવા તો પીવાના પાણી વિના રહી રહ્યા છે.














