આ પરાંમાં પાણીના લીલાછમ વિસ્તારોની બંને બાજુ નાળિયેરી અને સોપારીનાં ઝાડ હારબદ્ધ ઊભાં છે. ઘરઆંગણાની મરઘીઓ આમતેમ ફરે છે, અને બાળકો બપોરના સમયે શાળાએથી સાયકલ પર પાછા ફરે છે. અને ક્યારેક સંભવિત ગ્રાહકો કોલકાતાના ગેલિફ સ્ટ્રીટના પેટ માર્કેટમાં- જ્યાં રવિવારે છૂટક વેપારીઓ ભેગા થાય છે- માછલીઓને ખરીદતાં પહેલાં, તેમને નજીકથી નિહાળવા માટે ભેગા થાય છે.
કાંદોનના ઘરની પાછળ, તેમના પરિવારની માલિકીનું માછલીનું તળાવ, અન્ય માછીમારોના તળાવોની જેમ જ, જાળથી ઢંકાયેલું છે. તેઓ કહે છે, “વરસાદની મોસમ દરમિયાન માછલીનું સંવર્ધન તેની ટોચ પર હોય છે, તેથી તળાવને તેના માટે અગાઉથી તૈયાર કરવું પડે છે.” તેમના નાનકડા ઘરના એક ઓરડામાં એવી જાતો છે જેનો ઉછેર ઘરમાં જ કરવો પડે છે. તેઓ કહે છે કે ઘણી વાર માછલીનાં ઈંડાં નાશ પામે છે, તેથી બજારમાં વેચાતી માછલીઓનું પ્રમાણ બદલાય છે: તે સરેરાશ દર અઠવાડિયે 1,500 જેટલું હોય છે. કાંદોન કહે છે, “આ વેપારમાંથી થતી આવક અનિયમિત હોય છે, જે મહિનાના રૂ. 6000-7000થી ક્યારેય વધારે હોતી નથી.”
ઉદયરામપુરમાં માછલી ઉછેર અને તેમને બજારમાં વેચવાનું કૌશલ્ય પેઢી દર પેઢી વારસામાં મળેલ છે, અને પરિવારમાં દરેક વ્યક્તિ તેમની સંભાળ કેવી રીતે રાખવી તે જાણે છે. દરેક સભ્ય માછલીઓમાં બીમારીનાં લક્ષણોને ઓળખી શકે છે અને તેની સારવાર પણ કરી શકે છે. કાંદોન જણાવે છે, “જ્યારે તેઓ બીમાર પડે છે અથવા ઘાયલ થાય છે, ત્યારે તેઓ સામાન્ય રીતે પાણીની સપાટી નજીક તરવા લાગે છે. અને તેઓ ખાવાનું બંધ કરી દે છે. કેટલીક માછલીઓ નિસ્તેજ થઈ જાય છે અને તેમની પૂંછડીઓ પર સફેદ રંગનું આવરણ ચડી જાય છે.” માછલીઓ માટેની દવાઓ આમતાલાની એક સ્થાનિક દુકાનમાં મળી જાય છે. તેઓ જણાવે છે, “તેમને ફરીથી સ્વસ્થ કરવા માટે, અમે તેમને એક અલગ વાસણમાં રાખીએ છીએ, અને તેમનો નિયમિત ખોરાક બંધ કરીને ઘણીવાર તેમને ફક્ત દવા પર જ રાખીએ છીએ.”