અમે જોયું - પણ અમને તેના પર વિશ્વાસ ન થયો. અમે તેમની પાસે પહોંચ્યા, અમે નીચે ઉતર્યા, અને ધ્યાનથી જોવા લાગ્યા. આ હકીકત હતી, કોઈ જૂઠાણું નહોતું. અમને હજુ પણ વિશ્વાસ નહોતો આવતો. રતન બિસ્વાસ પાસે પાંચ વાંસ હતા, તેમાંના દરેકની લંબાઈ 40-45 ફૂટ હતી, અને તેમને પૂરા સંતુલન સાથે સાઇકલ સાથે બાંધવામાં આવ્યા હતા. તેઓ આ ભારને પોતાના ગામથી 17 કિલોમીટર દૂર ત્રિપુરાની રાજધાની અગરતલાના એક બજાર સુધી, રસ્તા માર્ગે ખેંચીને લઈ જઈ રહ્યા હતા. જો આ વાંસના બહાર નીકળેલા છેડાઓ સાથે કોઈ પથ્થર કે બીજી કોઈ વસ્તુ અથડાઈ જાત, તો સાઇકલ, સાઇકલના માલિક, અને વાંસ જમીન પર પડી જાત તથા તે ખરાબ રીતે ઘાયલ થઈ જાત. વાંસની આ વિશેષતા છે કે દેખાવમાં તો ઘણા હલકા લાગે છે, પરંતુ હોય છે ઘણા ભારે. વાંસ હતા તો કુલ પાંચ, પરંતુ દેખાવમાં ચાર જ લાગતા હતા, કારણ કે તેમાંના બે એકબીજા સાથે એવી રીતે બંધાયેલા હતા કે જાણે એક જ હોય. આ પાંચ વાંસનું વજન કુલ મળીને 200 કિલોગ્રામ હતું. બિસ્વાસ આ જાણતા હતા. અમારી સાથે વાત કરીને તે ઘણા ખુશ થયા અને તેમણે પોતાની આ સવારીનો ફોટો પાડવાની પણ અમને પરવાનગી આપી. પરંતુ તેમણે અમને આ સાઇકલ ખેંચવાની પરવાનગી ન આપી, કારણ કે તે તેના જોખમોથી વાકેફ હતા.
‘માંડ પાંચ ફૂટ લાંબી સાઇકલ પર તમે આટલા વજનદાર અને આટલા લાંબા વાંસનું સંતુલન કેવી રીતે જાળવો છો?’ આ સવાલ સાંભળીને તેઓ સ્મિત કરે છે અને અમને તે પાટિયું બતાવે છે, જે વાંસનું જ બનેલું છે. તેમાંના બે વાંસને તો તેમણે સાઇકલની આગળની તરફ ઊભા કરીને લગાવેલા છે. તે નીચેથી સાઇકલના એક ત્રાંસા સળિયા સાથે બાંધેલા છે અને આડી પાઇપની બંને બાજુ ઉપર આવે છે, જ્યાં તેઓ ફરીથી એકસાથે બાંધેલા છે. આ ઉપરાંત, પાછળના કેરિયર પર પણ વાંસના પાટિયા પર જ વાંસ બાંધેલા છે.





