કોઈક વાર સંભળાતા પંખીના ટહુકા સિવાય જો બીજો અવાજ કાને પડતો હોય, તો એ છે પાણીથી છલોછલ ખેતરોમાં લીલાછમ રોપાઓ વાવતી વખતે સ્ત્રીઓનાં છબછબિયાંનો અવાજ. અને પછી અચાનક જ, પાંચેય સ્ત્રીઓ એકસાથે બિહુ ગીત ગાવાનું શરૂ કરી દે છે.
આ જુલાઈ મહિનો છે, આસામી પંચાંગ મુજબ ‘આહાર’ મહિનો. ડાંગરના રોપાઓ રોપવાનો પહેલો દિવસ, જે ‘નોભૂઈ’ કહેવાય છે. જેનો શાબ્દિક અર્થ છે, નવા રોપાઓનો દિવસ. ટિટાબોરના સાલાગુરી ગામમાં હીરા સૈકિયાના ખેતરમાં સુરજ હજી પણ ચામડીને દઝાડી રહ્યો છે, હવામાં ભેજ છે, અને જે કામ કરવાનું છે તે કમરતોડ છે. 52 વર્ષીય હીરા સૈકિયાને આ મોસમના પહેલા દિવસે મદદ કરવા તેમની ચાર સહેલીઓ આવી છે. 50 વર્ષીય ગુનિતા સૈકિયા ગામમાં આશા વર્કર છે. 55 વર્ષીયા અરુણા બોરા શાળાનાં બાળકો માટે મધ્યાહ્ન ભોજન રાંધે છે. 35 વર્ષીય બ્રિસ્તિપર્ણા સોનોવાલ, જેઓ એક સમયે પંચાયતનાં સભ્ય હતાં અને 35 વર્ષીય નોમી સૈકિયા, જેઓ ખેડૂત અને ગૃહિણી છે. આ બધી સ્ત્રીઓ પોતાની નાની નાની જમીન પર ડાંગર ઉગાડે છે જેનાથી તેમના પરિવારોનું ગુજરાન ચાલે છે. કોઈ બીજા દિવસે, હીરા તેમાંથી કોઈ એકને મદદ કરી રહ્યાં હશે.






