"તમારી દીકરી આટલી મોટી થઈ ગઈ છે અને તમે હજી સુલવા માટે તેના કાન તૈયાર નથી કર્યા?" વડીલ સ્ત્રીઓ પૂછે અને પછી દીકરી તરફ ફરીને પાછા કહેશે, “બેન, તારા લગન લેવાશે થોડા સમયમાં. સસરા પક્ષવાળાએ સગાઈમા કરેલી બોલીની મુદત પૂરી થઈ ગઈ છે.” એક યુવાન છોકરીની માતાને લગ્ન પહેલાં તેની દીકરીઓના કાન તૈયાર કરવા માટે સમજાવતી વૃદ્ધ સ્ત્રીઓના આવા શબ્દો આજે પણ મારા ભોપા રબારી સમુદાયમાં સાંભળવા મળે છે.
મને યાદ છે કે મારી પિતરાઈ નાથી બેન મોરી ૧૭ વર્ષની હતી ત્યારે જ એના કાન તૈયાર કરવા લાગી હતી. તે હવે ૨૪ વર્ષની છે. તે હંમેશા સુલવા પહેરે છે. આ એક સેન્ટીમીટરથી વધુ પહોળા મોટા સોનાની જાડી બે કડીઓનું ઘરેણું છે. જે પરિવારમાં છોકરીના લગ્ન થઈ રહ્યા હોય તેમના તરફથી સગાઈ સમયે બે તોલા (૨૨.૩૨ ગ્રામ) વજનની આવી બુટ્ટીઓ ભેટમાં અપાય છે. આ બુટ્ટીઓની કિંમત લગભગ બે લાખ રૂપિયા જેવી થાય.
સુલવા આપણી મૂડી છે જરૂરિયાતના સમયે આપણને સાચવે એવી. પણ ઘણા પરિવાર આ કડીઓ બનાવવા માટે દેવું પણ કરે છે. આજકાલ વસ્તુઓ મોંઘી છે અને અમે લોકો એટલા સધ્ધર નથી. અમે રહ્યા પશુપાલક. અમારા ગામમાં, અમારા સમુદાયના લગભગ 3,000 લોકો છે અને તેમાંથી 60 ટકા લોકો જીવનનિર્વાહ માટે મજૂરી કરે છે અને બાકીના 40 ટકા લોકો પશુપાલન કરે છે.





