આજે રવિવારની સવાર છે, પણ જ્યોતિરેન્દ્ર નારાયણ લાહિરી વ્યસ્ત છે. હુગલી જિલ્લામાં તેમના એપાર્ટમેન્ટના એક ઓરડામાં, 50 વર્ષીય લાહિરી મેજર જેમ્સ રેનેલ દ્વારા 1778માં તૈયાર કરવામાં આવેલા સુંદરવનના સૌપ્રથમ નકશા પર નજર રાખી રહ્યા છે.
આંગળીથી નકશામાં ઇશારો કરતા લાહિરી કહે છે, “અંગ્રેજોના સર્વેક્ષણના આધારે સુંદરવનનો આ પ્રથમ અધિકૃત નકશો છે. આ નકશો કોલકાતા સુધી વિસ્તરેલા મેંગ્રોવને દર્શાવે છે. ત્યારથી અત્યાર સુધી ઘણું બધું બદલાઈ ગયું છે.” ભારત અને બાંગ્લાદેશ બંનેમાં ફેલાયેલું, વિશ્વના સૌથી મોટા વિસ્તારમાં મેંગ્રોવ ધરાવતું સુંદરવન, તેની અપાર જૈવવિવિધતા અને, અલબત્ત, રોયલ બંગાળ ટાઇગર (પેન્થેરા ટાઈગ્રિસ) માટે જાણીતું છે.
તેમના ઓરડાની દિવાલોને આવરી લેતા ચોપડીઓ મુકવાના ઘોડામાં સુંદરવન વિશેના દરેક કલ્પનીય વિષય પર સેંકડો શીર્ષકો જોવા મળે છે − વનસ્પતિ, પ્રાણીસૃષ્ટિ, રોજિંદું જીવન, નકશા, અને અંગ્રેજી અને બંગાળીમાં બાળકોના પુસ્તકો. આ તે જગ્યા છે જ્યાં તેઓ સુંદરવન વિશે ત્રિમાસિક પ્રકાશન ‘સુધુ સુંદરવન ચર્ચા’ના અંકોનું સંશોધન અને આયોજન કરે છે, જે તેમણે 2009માં ચક્રવાત આઇલાએ આ પ્રદેશમાં વિનાશનો પગેરું છોડ્યા પછી શરૂ કર્યું હતું.
તેઓ તે ભયાનક દિવસને યાદ કરીને કહે છે, “મેં આ વિસ્તારની સ્થિતિ જોવા માટે વારંવાર મુલાકાત લીધી હતી. તે ભયાનક હતું. બાળકોએ અભ્યાસ છોડી દીધો હતો, લોકોએ પોતાનાં ઘર ગુમાવી દીધાં હતાં, મોટી સંખ્યામાં પુરુષો સ્થળાંતર કરી ગયા હતા અને બધું જ મહિલાઓના હવાલે છોડી દેવામાં આવ્યું હતું. લોકોનું ભાગ્ય સંપૂર્ણપણે તેના પર નિર્ભર હતું કે નદીના તટબંધ યથાવત્ રહેશે કે તૂટી પડશે.”
લાહિરીને આ આપત્તિ અંગેના મીડિયા અહેવાલો છૂટાછવાયા અને ઉપરછલ્લા લાગ્યા હતા. તેઓ કહે છે, “મીડિયા સુંદરવન વિશેની રૂઢિચુસ્ત ધારણાઓનું વારેવારે પુનરાવર્તન કરે છે. સામાન્ય રીતે, તમને વાઘના હુમલા અથવા વરસાદના અહેવાલો જોવા મળશે. જ્યારે વરસાદ નથી પડતો અથવા પૂર નથી આવતું, ત્યારે સુંદરવન ભાગ્યે જ સમાચારોમાં આવે છે. મીડિયાને બસ આપત્તિ, વન્યજીવન અને પ્રવાસનમાં જ રસ છે.”









