2021 ના ડિસેમ્બરની એક ઠંડી સવાર હતી. પોતાની બાઈક પર સવાર અમર થોરબોલેએ મહારાષ્ટ્રના સોલાપુરમાં જિલ્લા પોલીસ વડાના કાર્યાલય તરફ 70 કિલોમીટરનું અંતર કાપ્યું ત્યારે રસ્તાઓ પર ધુમ્મસ છવાયેલું હતું. તેઓ પોતાની સાથે ડીઝલનો એક ડબ્બો અને દિવાસળીનું એક ખોખું લઈને ગયા હતા.
થોરબોલેએ પોતાની બાઇક પાર્ક કરી હતી, ધીમે ધીમે ડબ્બો ખોલ્યો હતો અને પોલીસ સ્ટેશન તરફ ચાલતા ચાલતા પોતાના શરીર પર ડીઝલ રેડ્યું હતું. તેમણે દીવાસળી પેટાવી હતી. પહેલા સિસકારો થયો હતો. પછીથી પોલીસ આવી હતી
આ ઘટના પહેલાના બે મહિના દરમિયાન તેમના વતન બાર્શીમાં લોન રિકવરી એજન્ટો (લોન વસૂલી કરતા વચેટિયાઓ) 38 વર્ષના થોરબોલેને તેમણે લીધેલી લોન કરતા પાંચ ગણી વધુ લોન માટે જવાબદાર ઠેરવી તેમને અને તેમના પરિવારને ધમકી આપી રહ્યા હતા. અને પોલીસે તેમના કેસની તપાસ કરવાનો ઇનકાર કર્યો હતો કારણ કે જે માણસોએ તેમની સાથે છેતરપિંડી કરી હોવાનું કહેવાતું હતું તેઓ ખાસ્સી રાજકીય વગ ધરાવતા હતા.
એક વર્ષ પહેલાં મે 2020 માં મરાઠા સમુદાયના થોરબોલેએ પોતાના તાજા નાસ્તાના ધંધાને વધારવાની યોજના બનાવી હતી. તેમણે પોતાની મોટા ભાગની બચતનો ઉપયોગ કરીને જમીનનો એક પ્લોટ ખરીદ્યો હતો. પોતે અગાઉથી જ સ્ટોલ પર પીરસતા હતા એ પોહા અને વડા જેવી નાસ્તાની વસ્તુઓ સાથે તેમણે મસાલા વેચવાની યોજના બનાવી હતી; તેઓ પ્લોટ પર સંગ્રહ માટેની સુવિધા પણ બનાવવા માગતા હતા.
તેમણે 5 લાખ રુપિયાની લોન લેવાનું નક્કી કર્યું હતું. થોરબોલેએ લોન માટે શિવ શક્તિ અર્બન કો-ઓપરેટિવ બેંકમાં અરજી કરવાનું પસંદ કર્યું હતું કારણ કે બ્રાન્ચ મેનેજર, ગણેશ બારંગુલે થોરબોલેના અગાઉના શેઠ યુવરાજ બારંગુલેના બિઝનેસ પાર્ટનર હતા.
આ પરિચિતતાને કારણે ગણેશે "પહેલાની અરજીમાં ભૂલ હતી" એમ જણાવી થોરબોલેને કાગળો પર ફરીથી સહી કરવાનું કહ્યું ત્યારે થોરબોલે અને તેમના પત્ની બંનેએ તેને એક સામાન્ય બાબત માની લીધી હતી.
જુલાઈ (2020) ની શરૂઆતમાં ગણેશે તેમને લોન મંજૂર થઈ ગયાની જાણ કરી હતી અને લોનની ચૂકવણી માટે બાંયધરી રૂપે સહી કરેલા 10 કોરા ચેક જમા કરાવવાનું કહ્યું હતું.
આ દંપતીએ કોઈ જ સવાલ કર્યા વિના તેમને કહેવામાં આવ્યું એ પ્રમાણે કર્યું હતું. થોરબોલના પત્ની 34 વર્ષના સુજાતા કહે છે, "અમારે સારા સંબંધો હતા. અમે તેમના [ગણેશ અને યુવરાજ] પર વિશ્વાસ કર્યો હતો."
એક વર્ષ સુધી બધું ઠીકઠાક ચાલ્યું હતું અને પછીથી રિકવરી એજન્ટો તેમના ઘરમાં ઘૂસી ગયા હતા અને સુજાતાને ધમકી આપી હતી કે થોરબોલે તેમની 25 લાખ રુપિયાની હાઉસિંગ લોન નહીં ચૂકવે તો બેંક તેમની મિકલત જપ્ત કરી લેશે. તેઓ કહે છે, "હું મૂંઝાઈ ગઈ હતી."











