રૂપ રાની, જેમણે કદાચ બહુ જલદી, રામપુરાના બીજા બધા રહેવાસીઓની જેમ, પોતાનું ઘર અને જમીન ગુમાવવાં પડશે, તેઓ કહે છે, “જો તેઓ હાથીઓ લઈને અમારાં ઘર તોડવા આવશે, તો અમે અમારો બધો સામાન અને અમારાં બાળકોને તળાવમાં ફેંકી દઈશું, ગોળ કૂંડાળું વળીને ઊભાં રહી જઈશું અને કહીશું કે અમને ગોળી મારી દો, પણ જ્યાં સુધી અમારી માંગણીઓ પૂરી નહીં થાય ત્યાં સુધી અમે અહીંથી નહીં જઈએ.”
પન્ના ટાઇગર રિઝર્વના બફર ઝોનમાં આવેલાં 49 ગામોમાં તેમનું ગામ પણ એક છે. ગામના લોકોનું કહેવું છે કે વન વિભાગે તેમને જણાવ્યું છે કે વાઘની વધતી સંખ્યાને કારણે, રિઝર્વના કોર એરિયાનો વિસ્તાર વધારવો પડશે. નિયમ મુજબ, કોર એરિયામાં માનવ વસાહતને મંજૂરી નથી, જ્યારે વાઘના મુખ્ય રહેઠાણની આસપાસનો બફર ઝોન વાઘને મુક્તપણે હરવા-ફરવા માટે વધુ જગ્યા આપે છે અને સાથે જ માણસો અને વન્યજીવોને સહઅસ્તિત્વમાં રહેવાની પણ છૂટ આપે છે. રામપુરા ગામ ઑગસ્ટ 2012માં પન્ના રિઝર્વના બફર ઝોન હેઠળ આવ્યું હતું.
પણ છેલ્લાં ચાર વર્ષથી, કોર એરિયાના વિસ્તારની યોજનાઓ ધીમે ધીમે આગળ વધી રહી છે, અને રૂપ રાની અને તેમના પાડોશીઓ એક અનિશ્ચિત ભવિષ્ય તરફ જોઈ રહ્યા છે. ત્યારથી, તેઓ પોતાની જમીન બચાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. અને સાથે વનવિભાગ સાથે વાટાઘાટો પણ કરી રહ્યા છે કે તેમને બીજી જગ્યાએ પાંચ એકર જમીન અને સાથે 10 લાખ રૂપિયાનું વળતર મળે – આ એ જ રકમ છે જે 2008માં કેન્દ્ર સરકારના પ્રોજેક્ટ ટાઇગર હેઠળ કુટુંબ દીઠ વળતર તરીકે નક્કી કરવામાં આવી હતી.



