"હું ઓવીના અનુવાદો પર કામ કરવાનું ચાલુ રાખવા માંગુ છું."
આશાતાઈએ આ કહ્યું ત્યારે પહેલેથી જ તેઓ ઉંમરના 80 ના દાયકાના અંતમાં હતાં. તેઓ આકસ્મિક રીતે પડી ગયા પછી શારીરિક સ્વાસ્થ્ય પાછું મેળવી રહ્યાં હતાં અને લેપટોપનો ઉપયોગ કરવાનું તેમને અગવડભર્યું લાગતું હતું. તેથી અમે હસ્તલિખિત અનુવાદો તરફ વળ્યા - તેઓ 80 થી 100 કાવ્યકણિકાઓ ધરાવતા પ્રિન્ટઆઉટ પર અનુવાદો લખતાં. એકવાર તે બેચ પૂરી થઈ જાય પછી તેઓ તે પછીની બેચ પર કામ કરતાં.
જિતેન્દ્ર મૈડે આ અનુવાદો પર તેમની સાથે નજીકથી કામ કર્યું હતું અને તે અનુવાદોને ડેટાબેઝમાં અપડેટ કર્યા હતા.
જિતેન્દ્ર મૈડ કહે છે, "મારા કોલેજના દિવસો સુધી મારી સમજ હતી કે - ગ્રંથપાલ એક ગંભીર વ્યક્તિ છે જે પુસ્તકોની સંભાળ રાખે છે. પરંતુ 1996 માં હેમાતાઈ રાઈરકરને ઘેર હું આશાતાઈ ઓગલેને મળ્યો ત્યારે આ [સંકુચિત] સમજ અદૃશ્ય થઈ ગઈ." તેમણે આશા તાઈ સાથે ગ્રાઈન્ડમિલ સોંગ્સના અનુવાદ પર લગભગ ત્રણ દાયકા સુધી કામ કર્યું - 1996 થી માંડીને આશાતાઈના જીવનના છેલ્લા દિવસો સુધી.






