સવારના ત્રણ વાગ્યા છે અને નંદિની નારંગી રંગની તાડપત્રીના એક તંબૂની બહાર બેઠાં છે, અને તેમની સહેલી સેલ ફોન પકડીને જે પ્રકાશ પાડે છે તેના અજવાળામાં મેકઅપ કરી રહ્યાં છે.
સાદી સુતરાઉ સાડી પહેરેલી આ 18 વર્ષીય યુવતી થોડા કલાકોમાં લગ્ન કરવા જઈ રહી છે.
આગલી સાંજે, તે અને તેના વરરાજા, 21 વર્ષીય જયરામ, તેમના મિત્રો અને પરિવાર સાથે બેંગાલામેડુ (સત્તાવાર રીતે સરક્કનુર ઇરુલર કૉલોની તરીકે ઓળખાય છે) થી મમલ્લાપુરમ પહોંચ્યા હતા. તમિલનાડુના તિરુવલ્લુર જિલ્લાનું આ જૂથ સેંકડો ઇરુલર પરિવારોમાંનું એક છે, જેઓ ચેન્નાઈના દક્ષિણ કિનારે આવેલા નાના તંબુઓમાં રહે છે.
દર માર્ચ મહિનામાં, તમિલનાડુના દરિયાકાંઠાના વિસ્તારમાં ટૂંકો શિયાળો પૂરો થઈને ઉનાળાની શરૂઆત થાય છે, ત્યારે મા મલ્લાપુરમની સોનેરી રેતી (અગાઉ મહાબલીપુરમ તરીકે ઓળખાતી) રંગોનો ખજાનો લૂંટાવે છે. દરિયાકિનારો પાતળી સાડીઓ અને તાડપત્રીથી બનેલા ઘેરાવ અને તંબુઓની વિશાળ ભૂલભુલામણીમાં ફેરવાઈ જાય થાય છે, જે નજીકના વૃક્ષોમાંથી તાજી કાપેલી દાંડીઓના ટેકાથી ઊભા રાખવામાં આવે છે.
આ લોકપ્રિય બીચ પર સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓની સામાન્ય ભીડના બદલે ઇરુલર સમુદાયના લોકો આવી જાય છે, જેઓ રાજ્યભરમાંથી માસી માગમ તહેવાર ઉજવવા માટે અહીં આવે છે. ઇરુલર લોકો ખાસ કરીને સંવેદનશીલ આદિવાસી જૂથ (પી.વી.ટી.જી.) છે – જેની અંદાજિત વસ્તી આશરે 2 લાખ છે (ભારતમાં અનુસૂચિત જનજાતિઓની આંકડાકીય રૂપરેખા, 2013 અનુસાર). તેઓ તમિલનાડુના કેટલાક જિલ્લાઓમાં ફેલાયેલા નાના, છૂટાછવાયા વિસ્તારોમાં રહે છે.


























