1984માં, ફ્રન્ટલાઇન શરૂ થયું તે વર્ષે, હું જ્યારે પણ ખેડૂતોના ઘરે જતો, ત્યારે લગભગ દરેક જગ્યાએ મને પહેલાં તાજું દૂધ મળતું. પશ્ચિમ મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં, તમે જ્યારે ઘરથી બહાર નીકળો ત્યારે તમને દૂધનો બીજો એક પ્યાલો આપવામાં આવતો. આંધ્ર પ્રદેશના દરિયાકાંઠાના વિસ્તારમાં દૂધ ઘણી વાર ચાંદીના ગ્લાસમાં આપવામાં આવતું, જે મહેમાન માટે આદરની નિશાની ને ખેડૂતની સારી આર્થિક પરિસ્થિતિનું પ્રતીક ગણાતું.
તમિલનાડુના કૃષિ પરિવારોમાં શુદ્ધ પિત્તળના પ્યાલામાં દૂધ મળતું. કોઈ કોઈક વાર, તે પિત્તળના ગ્લાસમાં સ્વાદિષ્ટ ફિલ્ટર કોફી પણ રહેતી. 1990ના દાયકા સુધીમાં, ઘણાં રાજ્યોમાં, ચાંદીના પ્યાલાની જગ્યાએ સ્ટેનલેસ સ્ટીલના પ્યાલા આવી ગયા હતા. 1991 પછી પણ, તેઓ તમને તાજું દૂધ તો આપતા, પરંતુ હવે તે ઘણીવાર તૂટેલાં વાસણમાં મળતું, જેમકે કપ કોઈ વાર કિનારીઓ પરથી તૂટેલો હોય. 1990ના દાયકાના મધ્ય સુધીમાં, મને કાચના પ્યાલામાં દૂધ મળવા લાગ્યું.
2000ના દાયકા સુધીમાં, દૂધની જગ્યાએ ચા આવી ગઈ હતી. મહારાષ્ટ્રના વિદર્ભમાં, 2003-04 સુધીમાં, કાળી ચા વપરાવા લાગી હતી. ખાંડ કે જે પરંપરાગત રીતે સ્નેહ અને આદરની નિશાની છે તેનું પ્રમાણ પણ ચામાં ઘટતું જતું હતું. તે દાયકાના મધ્ય સુધીમાં, કાચનો પ્યાલો જ ગાયબ થઈ ગયો હતો. હવે કાળી ચા ભયંકર ગંદા પ્લાસ્ટિકના કપમાં આવવા લાગી જે તમને ટ્રેનોમાં અને બસ ડેપોમાં મળે, અને એ પણ સાવ નહીં જેવી.
2018માં, હું મહારાષ્ટ્રના સાંગલીમાં સ્વાતંત્ર્ય સેનાની ગણપતિ બાલ યાદવને તેમના ઘરે મળ્યો હતો. કેટલાક કલાકો સુધી ચાલેલા ઇન્ટરવ્યુ પછી, તેમણે મને તાજું દૂધ પીવડાવીને વિદાય કર્યો. એલ્યુમિનિયમના પ્યાલામાં.

















