વિકાસ કુમાર ભારતીય સેનામાં ભરતી માટે શારીરિક તંદુરસ્તીની તાલીમ મેળવતા હતા, જેને તેમણે કોવિડ-19 મહામારીના લીધે બંધ કરવી પડી હતી. 2022ની શરૂઆતમાં, તેમણે તેમની દૈનિક દિનચર્યા ફરી શરૂ કરી, જેમાં તેઓ આરા ખાતેના એરપોર્ટ ગ્રાઉન્ડ પર 400 મીટરના ટ્રેક પર 4-5 વાર દોડીને 1.6 કિલોમીટરનું અંતર કાપે છે. તેઓ કહે છે, “હું તે અંતર લગભગ 5 મિનિટ અને 20 સેકન્ડથી 5 મિનિટ અને 25 સેકન્ડમાં પૂર્ણ કરું છું.”
તે પછી તેઓ દિવસમાં 5 થી 6 વખત આ પ્રકારે દોડે છે, અને દરેક દોડ વખતે તે માટે લાગેલા સમય પર ખાસ ધ્યાન આપે છે. આ સિવાય તેઓ બહુવિધ સ્ક્વૉટ્સ, પુશ-અપ્સ અને અન્ય જાતજાતની કસરતો ને એક જ વારમાં 8-10 ઝડપી પુલ-અપ્સ કરે છે એ તો ખરું જ. તેઓ કહે છે, “જો મને શારીરિક તંદુરસ્તી પરીક્ષણો (સૈન્ય ભરતી માટેનાં)માં ભાગ લેવાની તક મળી હોત તો મેં મારા શરીર માટે ‘ઉત્તમ’ નિશાન મેળવ્યું હોત.” જો કોઈ ઉમેદવાર સમય કરતાં પહેલાં જરૂરી અંતર સમાપ્ત કરે છે, તો સૈન્યના અધિકારીઓ તે શબ્દ તેની છાતી પર અંકિત કરી દે છે.
વિકાસ ભરતી માટેની શારીરિક પરીક્ષા પર તેમની છાપ છોડવા તૈયાર હતા.
પરંતુ જૂન 2022માં તેઓ એવી વસ્તુ સામે હારી ગયા, કે જે ઘણા યુવાનો માટે કોવિડ-19 કરતાંય વધુ ઘાતક સાબિત થઈ. આ મહામારી-સ્તરનો રોગ ન હતો, પરંતુ નીતિ-સંચાલિત રોગ હતો.
આ યોજના અગ્નિપથ યોજના તરીકે ઓળખાતી હતી. અને, જો તેઓ આ પરીક્ષામાં સફળ પણ થતા, તો પણ તેમની છાતી પર ‘ઉત્તમ' શબ્દ અંકિત ન થતો; ફક્ત તેમના ગણવેશ અને સાજસરંજામ પર ‘અગ્નિવીર’ લખવામાં આવતું.
















