રાજસ્થાનના બારાં જિલ્લાના મામોની ગામમાં, હોળીની તૈયારીઓ દિવસો અગાઉથી ખૂબ જ ઉત્સાહ અને ઉમંગ સાથે શરૂ થઈ જાય છે. આ ઉજવણી માર્ચ મહિનામાં લગભગ એક અઠવાડિયા સુધી ચાલે છે, જે સામાન્ય રીતે પૂનમના સમયે આવે છે. ગામના લોકો માટે, આ ધાર્મિક તહેવાર લણણીની મોસમ શરૂ થાય તે પહેલાં ભગવાન અને પ્રકૃતિનો આભાર માનવાનો એક અવસર છે. બારાં રાજસ્થાનના સૌથી ગરીબ જિલ્લાઓમાંનો એક છે.
હોળીની આગલી રાત્રે, એક અગ્નિ પ્રગટાવવામાં આવે છે, જે દંતકથા અનુસાર, હોલિકાના દહનનું પ્રતીક છે. આ અગ્નિમાં ઘઉંની ઉંબીઓ શેકવામાં આવે છે. જૂના જમાનામાં, ગામલોકો બીજા દિવસે એકબીજાના ચહેરા પર રાખ લગાડીને અભિવાદન કરતા હતા. સમય જતાં, લોકોએ રાખની જગ્યાએ રંગીન ગુલાલનો ઉપયોગ શરૂ કર્યો, જે હવે આ તહેવારની ઉજવણી માટે દેશભરમાં વપરાય છે.
















