સુંદરવનના જંગલમાં કુલ્તાલી ટાપુમાંથી વહેતા લગભગ શાંત પાણીમાં ડૂબી રહેલા સાંજના સૂરજને જોઈ રહેલી એક ઊંચી પાતળી સુંદર ચહેરાવાળી માછીમારણ, અનિમા મંડળ, ગુસ્સામાં છે. તેમણે સવારથી કંઈ ખાધું નથી.
તેણી એક મીટીંગ માટે ત્યાં ગયાં હતાં, જે કુલ્તાલી ફોરેસ્ટ રેન્જના બીટ અધિકારી દ્વારા 14 ફેબ્રુઆરી, 2015ના રોજ નદીની પેલે પાર, કુલ્તાલીના એક ખૂણામાં ફોરેસ્ટ રેન્જના પરિસરમાં બપોરે 2 વાગ્યે ગોઠવવામાં આવી હતી. આ મહત્વપૂર્ણ મીટીંગ માટે લગભગ 50 મહિલાઓ અને કેટલાક પુરુષો ત્યાં ગયા હતા જેથી તેઓ તેમની બે જરૂરી માંગણીઓ રજૂ કરી શકે – તેમની પાસેથી જપ્ત કરવામાં આવેલી માછીમારીની હોડીઓ (ડોંગા) તેમને પરત કરવામાં આવે, અને મહિલાઓને પરંપરાગત નાના પાયાના માછીમારો તરીકે સ્વીકારીને, તેમને તેમની આજીવિકા માટે માછીમારી કરવાનો અધિકાર આપવામાં આવે.
કુલ્તાલી મહિલા ડોંગા મત્સ્યજીવી સમિતિ હેઠળ સંગઠિત થયેલી આ મહિલાઓ તે મીટીંગમાં ભાગ લેવા માટે મધ્ય ગુરગુરિયા ગામથી પગપાળા, લાકડાના પાટિયાંવાળી સાયકલ દ્વારા અને હોડીઓ દ્વારા એક લાંબો પ્રવાસ કરીને ત્યાં પહોંચી હતી.







