કૌશલ્યા કહે છે, “વરસાદ પછી મુસ્કેનીનાં લીલા કોમળ પાંદડાં વધુ મીઠાં લાગે છે. તડકામાં [ઉનાળામાં], પાંદડાં બળીને કઠણ થઈ જાય છે.” તેઓ તેમના રસોડામાં છે, જે તેમના બે રૂમના પાકા મકાનના વરંડાનો એક ખુલ્લો વિસ્તાર છે. તેઓ વાત કરતાં કરતાં, ધોયેલી દાળ (તુવેરની દાળ) પ્રેશર કુકરમાં ઉમેરે છે, સાથે મુસ્કેની, બે લીલા મરચાં, હળદર પાવડર અને મીઠું પણ નાખે છે.
કૌશલ્યા આગળ કહેછે, “મુસ્કેની ભાજી [પાંદડા] તુવેર અને ચણા દાળ સાથે ખૂબ સારી લાગે છે.” મુસ્કેની પાંદડાની વિવિધ વાનગીઓ અમારી સાથે શેર કરતાં તેઓ સ્મિત રોકી શકતાં નથી — આ જંગલી છોડ છત્તીસગઢમાંઉગે છે, અને ઘણી વાર દાળ સાથે ઉમેરવામાં આવે છે. તેઓ કૂકરમાં ત્રણ કે ચાર સીટી વાગે તેની રાહ જોતાં દાળના વઘાર માટે આખા લસણની કળી, ટમેટા, ડુંગળી અને થોડાં સૂકાં લાલ મરચાં તૈયાર કરે છે. આ માટે તેઓલાકડાના હાથાવાળી પનિકી છરીનો ઉપયોગ કરે છે, જે પરંપરાગત રીતે ઘરોમાં શાકભાજી કાપવા માટે વપરાય છે.













