43 વર્ષના નઝિર જુનસ ભાયા કહે છે, "મારા પિતાએ જ્યારે કહ્યું હતું કે - જે લોકો દરિયા પર રહે છે તેઓ ક્યારેય મોતથી ડરતા નથી ત્યારે તેઓ જૂઠું બોલતા હતા [અબ્બા જુઠ બોલતે થે કિ જે દરિયામાં રહેતા હોય એમને મોતનો ડર ન હોય]. 17 વર્ષની ઉંમરે મેં ખલાસી તરીકેની મારી પહેલી નોકરી લીધી ત્યારે તેઓ આવું કહેતા હતા." નઝિર પોતાના હાથ તરફ તાકી રહ્યા હતા, આ એ જ હાથ છે જેણે એમએસવી અલ ફૈઝ નૂર એ સુલેમાની ઓમાનના અખાતમાં ડૂબી ગયું એ પહેલા છ મહિના સુધી તેને હંકાર્યું હતું. કપ્તાનના આદેશ પર તેઓ જહાજને સ્ટ્રેટ ઓફ હોર્મુસ પાર કરાવતા હતા ત્યારે એક મિસાઈલ જહાજને ટકરાઈ હતી એ ભયાનક ક્ષણ તેમને બરોબર યાદ છે.
તેઓ ફરીથી કહે છે, "અબ્બા જૂઠ બોલતે થે [મારા પિતા જૂઠ્ઠું બોલતા હતા]. મૈં તો લાન્ચ (લૉન્ચ) મેં પાની દેખ કર હૈબત ખા ગયા થા. [અમારા જહાજમાં પાણી ઘૂસતું જોતાની સાથે જ હું તો ગભરાઈ ગયો હતો]. 8 મી મે 2026 ના રોજ રાતના 12 વાગ્યાથી વધુ સમય થઈ ગયો હતો. એક મિસાઈલ અમને મારી નાખવા માગતી હતી. ઈરાને અમારા હોર્મુઝ પાર કરવા પર પ્રતિબંધ મૂક્યો નહોતો. તેથી ઈરાન હુમલાખોર હોય એવી શક્યતા ઓછી છે. અમે એક જોરદાર વિસ્ફોટ સાંભળ્યો, અને તરત જ ભારે આગ ફાટી નીકળી." નઝિર તેમના વાક્યો વચ્ચે બીજો લાંબો વિરામ લે છે, તેઓ તેમના પોતાના લોકો સાથે કચ્છી સિંધીમાં વાત કરે છે પરંતુ અમારી સાથે હિન્દી અને ગુજરાતીમાં વાત કરે છે. અમે ગુજરાતના દ્વારકા જિલ્લાના બંદર નગર સલાયામાં તેમના એક માળના ઘરમાં બેઠા છીએ.
























