ઘરની મધ્યમાં અડીખમ ઉભેલી સાત ફૂટ ઊંચી શાળ તરફ ઈશારો કરતાં, વસંત તાંબે કહે છે, “હું હેન્ડલૂમ વેચીશ નહીં. મેં મારું આખું જીવન એના પર વિતાવ્યું છે,” અને તેઓ ગર્વભેર ઉમેરે છે, “તમે આના પર કોઈપણ પ્રકારનું કાપડ બનાવી શકો છો.”
સાગના લાકડામાંથી બનેલી આ શાળ પર, તાંબે દર બે અઠવાડિયે 66 મીટર કાપડ વણે છે, અને સરેરાશ મહિનામાં 130 મીટર સૂતર વાપરે છે, જેમાંથી પછી ઉચ્ચ ગુણવત્તાના શર્ટ્સ સીવવામાં આવે છે. તેઓ 60 વર્ષથી વધુ સમયથી અલગ અલગ શાળ પર આ કામ કરી રહ્યા છે – અને તેમણે 1,00,000 મીટરથી પણ વધુ કાપડ વણી કાઢ્યું છે.
આ 1 લાખ મીટરની સફર નવ વારની સાડી (નવવારી) થી શરૂ થઈ હતી. જ્યારે તેઓ લગભગ 18 વર્ષના હતા, ત્યારે અત્યારે 82 વર્ષના તાંબે રેંદાલ ગામમાં એક કારખાનામાં શિખાઉ ઉમેદવાર તરીકે પહેલીવાર હેન્ડલૂમ પર બેઠા હતા, જ્યાં તેઓ સાડી બનાવતા શીખ્યા. તેઓ જૂના દિવસો યાદ કરતાં કહે છે, “એક મહિના સુધી અમારે કારખાનામાં મફત કામ કરવું પડતું હતું.”
ટૂંક સમયમાં જ, તાંબે ચાર કલાકમાં એક નવવારી (આશરે આઠ મીટરથી થોડી વધારે) વણવા લાગ્યા, અને દરેક સાડી માટે 1.25 રૂપિયા કમાતા. તેઓ યાદ કરતાં જણાવે છે, “અમે સૌથી વધુ સાડીઓ વણવા માટે હરીફાઈ કરતા. એક અઠવાડિયામાં સૌથી વધુ 21 સાડીઓ વણવાનો રેકોર્ડ હતો.” 1960 અને 70ના દાયકામાં, આવાં પરાક્રમ માટે તેમને અને તેમના સહકર્મીઓને 2 રૂપિયાનું બોનસ મળતું.
કારખાનામાં શીખવું જરૂરી હતું કારણ કે યુવાન વસંતના પરિવારમાં બીજું કોઈ વણકર નહોતું. તેમનો પરિવાર વિચરતી જાતિ તરીકે નોંધાયેલા ધનગર સમાજનો છે. વસંતના પિતા, શંકર તાંબે, કડિયાકામ કરતા હતા, અને તેમનાં માતા સોનાબાઈ ખેતમજૂર અને ગૃહિણી હતાં. તેઓ કડિયાકામ ન અપનાવવાના કારણ વિશે કહે છે; “મને ઘરની ઊંચી છત પરથી પડી જવાનો ડર લાગતો હતો, તેથી મેં બીજું કંઈક કરવાનું નક્કી કર્યું.”










