આ એક દિવ્ય સભા છે. એક નહીં, પણ અનેક રીતે.
બસ્તર વિસ્તારના અસંખ્ય દેવી-દેવતાઓ વર્ષમાં એક વાર નારાયણપુર જિલ્લાના મુખ્ય મથક નારાયણપુરમાં આવેલા માવલી મેળામાં મળે છે. આ વાર્ષિક ‘મડાઈ' (દેવતાઓનો મેળો) પાકની લણણી પછી યોજાય છે, અને કહેવાય છે કે આ પરંપરા 700 વર્ષથી પણ વધુ જૂની છે.
છત્તીસગઢના બસ્તર વિસ્તાર અને તેની આસપાસથી દેવી-દેવતાઓને અહીં અલગ-અલગ આદિવાસી પરિવારો અને સમુદાયો દ્વારા લાવવામાં આવે છે − દુર્ગમ અબુઝમાડથી (જેને અબુઝમળ કે અબુજમાડ પણ કહેવાય છે) માંડીને દૂર-દૂરના કાંકેર સુધીના વિસ્તારોમાંથી પણ. તેમની હર્ષોલ્લાસભરી યાત્રા અને આનંદમય આગમન સંગીત અને નૃત્યના તાલે થાય છે.
લોકો આ મડાઈમાં પોતાના કુળદેવતાઓને લઈને આવે છે. અહીંના આદિવાસી લોકો પોતાના પૂર્વજોને પણ દેવતા માને છે, અને માવલી મેળામાં, એક પરિવારના દેવતા બીજા પરિવારના દેવતાઓ સાથે મુલાકાત કરે છે. આદિવાસી દેવતાઓ પણ માણસોની જેમ જ વર્તે છે, અને તેમને પણ સગાંવહાલાં હોય છે, જે એકબીજાને મળે છે, ઉમળકાભેર ભેટે છે અને સાથે મળીને ઉત્સવ મનાવે છે.
નારાયણપુરના રહેવાસી અને બિન-આદિવાસી એવા વડીલ વિશ્વનાથ દેવાંગન કહે છે, “આ મેળો આખું અઠવાડિયું ચાલે છે.” ઘણા બિન-આદિવાસી લોકો પણ આ પ્રસંગના સાક્ષી બનવા અહીં આવ્યા છે.
આની શરૂઆત માવલી માતાના મેળાથી થાય છે અને ત્યારબાદ આસપાસનાં અન્ય દેવી-દેવતાઓનું આગમન થાય છે. આ પણ વાંચો: ગંગરેલમાં: વિસ્થાપિત દેવીનું નૃત્ય
હું અહીં ફેબ્રુઆરીની એક હુંફાળી સવારે પહોંચ્યો છું. નારાયણપુરમાં બજાર પાસે આવેલું વિશાળ જાહેર મેદાન ઝડપથી ભરાઈ રહ્યું છે. હજારો લોકો બસ, ટેક્સી દ્વારા આવી રહ્યા છે અને ઘણા તો ગઈકાલથી પોતાના ગામડેથી પગપાળા ચાલીને અહીં પહોંચ્યા છે. ઘણાંના પગમાં તો પગરખાં પણ નથી.
























