33 વર્ષીય અરેતી વાસુ સામે 23 ગુનાહિત કેસ નોંધાયેલા છે. તેમનાં 55 વર્ષીય માતા એ. સત્યવતીના માથે પણ આવા આઠ કેસ છે. વાસુને આંધ્રપ્રદેશના તેમના ગામ તુંડુર્રુમાં પ્રલોભનો આપવામાં આવ્યા, ધમકીઓ આપવામાં આવી અને ત્રણ વખત જેલમાં પણ ધકેલી દેવામાં આવ્યા. સપ્ટેમ્બર 2016થી અત્યાર સુધીમાં તેઓ કુલ 67 દિવસ જેલમાં વિતાવી ચુક્યા છે. જ્યારે તેમનાં માતા 45 દિવસ જેલમાં રહી ચુક્યાં છે.
તેઓ જણાવે છે, “મારી એક જ ભૂલ હતી કે મેં RTI અરજી દાખલ કરી.”
આ કાર્યવાહીનું પરિણામ ખૂબ જ ખરાબ આવ્યું. પોલીસના દરોડા, ધાકધમકીઓ, લોકોને તેમના ઘરમાંથી બહાર કાઢીને તેમની અટકાયત કરવી જેવી ઘટનાઓ હવે તુંડુર્રુમાં સામાન્ય બની ગઈ છે. બે પડોશી ગામો, ભીમાવરમ મંડળના જોન્નાલગારુવુ અને નરસાપુર મંડળના કે. બેથાપુડી જેવા નજીકના ગામોમાં પણ આવી જ સ્થિતિ છે. આ ત્રણેય ગામો પશ્ચિમ ગોદાવરી જિલ્લામાં આવેલા છે.
આ ગામોમાં રહેતા લોકો જેઓ મુખ્યત્વે નાના ખેડૂતો, માછીમારો અને મજૂરો છે, તેઓ ગોદાવરી મેગા એક્વા ફૂડ પાર્ક લિમિટેડ (GMAFP)ના નિર્માણ સામે વિરોધ કરી રહ્યા છે. તેમને લાગે છે કે આ પ્રોજેક્ટ તેમના વિસ્તારની હવા અને પાણીને પ્રદૂષિત કરશે અને તેમની આજીવિકાને પણ બરબાદ કરી દેશે. આ ફૂડ પાર્કનો ઉદ્દેશ માછલી, ઝીંગા અને કરચલાઓ પર પ્રક્રિયા કરીને તેમને યુરોપિયન સંઘ અને અમેરિકાના બજારોમાં નિકાસ કરવાનો છે. અહીં ઊભરેલી ‘GMAFP વિરોધ આંદોલન સમિતિ’ દાવો કરે છે કે આ પ્રક્રિયામાં “ઓછામાં ઓછા 1.5 લાખ લિટર પાણીનો દૈનિક ઉપયોગ કરવામાં આવશે.” તેમનું કહેવું એમ પણ છે કે આનાથી “દરરોજ લગભગ 50,000 લિટર પાણી પ્રદૂષિત થશે.” આ પ્રદૂષિત પાણી ગોન્ટેરુ નાળામાં છોડવામાં આવશે, જે આ જિલ્લામાં થઈને દરિયાને મળે છે.










