તેમાંથી છ તમારી હથેળીમાં સહેલાઈથી સમાઈ જાય તેવડા છે. તેમાં થોડું મરચું-મીઠું ઉમેરીને વાટવામાં આવે તો તેમાંથી એક સ્વાદિષ્ટ વાનગી તૈયાર થાય છે. આથી જ રામપ્રસાદ અને તેમના કિશોરવયના મિત્રોએ માટીના કરચલા (સાયલા સેરાટા)ને પકડીને પ્લાસ્ટિકની બાટલીમાં ભર્યા છે, અને હવે તેઓ એક મિજબાની માટે તૈયારી કરી રહ્યા છે.
છોકરાઓ વૃક્ષોની ગાઢ છત્રછાયા નીચે ગોઠવાઈ જાય છે, જે અહીં મલકવરીપલ્લી તાંડા – આંધ્ર પ્રદેશના શ્રી સત્ય સાંઈ જિલ્લામાં વસતા બંજારા સમુદાયની વસાહતમાં – ઉનાળાના ધગધગતા તાપથી ઘણી રાહત આપે છે. તેમની વાનગીનું મુખ્ય આકર્ષણ છે માટીનો કરચલો, જે ‘લીલો કરચલો’ અને ‘મેંગ્રોવ કરચલો’ તરીકે પણ ઓળખાય છે અને તે ભારતના પૂર્વીય કિનારે જોવા મળે છે.
અમળગુર મંડલનું આ શાંત સ્થળ એક ખીણપ્રદેશમાં આવેલું છે – જ્યાં ડાંગરનાં ખેતરો, ટમેટા અને મરચાંના છોડના ફરતે નીચી ટેકરીઓથી આવેલી છે. આ લીલાછમ દૃશ્યથી તદ્દન વિપરીત, અમને જણાવવામાં આવ્યું છે કે અહીં બોરવેલ 800 થી 1,200 ફૂટ ઊંડા ખોદવામાં આવે છે. તેમ છતાં, પાકની સિંચાઈ માટે દિવસમાં ફક્ત આઠ કલાક પૂરતું જ પાણી મળી રહે છે.






