વીડિયો, દસ્તાવેજી ફિલ્મો, ટૂંકી ક્લિપ્સ અને ગ્રામીણ ભારતના લોકો પરની ફીચર ફિલ્મો સાથે - વર્ષ 2023 પારીના ફિલ્મ વિભાગ માટે સૌથી વધુ સંતોષકારક રહ્યું.
એક ઓનલાઈન જર્નલ તરીકે અમે આપણી આસપાસના સમાચારો અને ઘટનાઓનો કાળજીપૂર્વક વિગતવાર અભ્યાસ કરતી ફિલ્મોને પ્રોત્સાહિત કરીએ છીએ. બિહારમાં મદરેસા અઝીઝિયા પરની અમારી ફિલ્મ કોમી રમખાણો ફેલાવવાના ઈરાદાથી પ્રેરાઈને બિહાર રાજ્યના બિહારશરીફ નગરમાં 113 વર્ષ જૂની લાઇબ્રેરીને આગ ચાંપી દેવાની અપ્રિય ઘટનાના પરિણામની વાત કરે છે. જેસલમેર જિલ્લામાં સેક્રેડ ગ્રુવ્સ (પવિત્ર ઉપવનો) - ઓરણો - પર કબજો જમાવી રહેલી અક્ષય ઊર્જા (ઉત્પન્ન કરતી કંપનીઓ) પરની અમારી ફિલ્મે આ ઝાડી-ઝાંખરાવાળા જંગલોને 'વેસ્ટલેન્ડ' (બંજર જમીન) તરીકે વર્ગીકૃત કરી સૌર ઊર્જા અને પવન ઊર્જા પ્લાન્ટ્સને હવાલે કરી દેવા સામે પડકાર ફેંક્યો હતો.
આસામમાં બ્રહ્મપુત્રા નદીને કિનારે એક આદિવાસી ભેંસ-પાલકના હલકભર્યા પ્રેમ-ગીત સાથે અમે વર્ષની શરૂઆત કરી. વર્ષ દરમિયાન અમે દેશના વિવિધ ભાગો - પશ્ચિમ બંગાળ, છત્તીસગઢ, કર્ણાટક, રાજસ્થાન વિગેરે - માંથી ગીતો અને નૃત્યો ઉમેરવાનું ચાલુ રાખ્યું.
અને પારીના ગ્રાઈન્ડમિલ સોંગ્સ પ્રોજેક્ટ - કંઈ કેટલાય દાયકાઓ દરમિયાન થયેલ આ અસાધારણ કામની સફરના દસ્તાવેજીકરણ - પરની એક ફિલ્મ સાથે અમે વર્ષ પૂરું કરી રહ્યા છીએ.
આ વર્ષે અમે એક મહત્વની ફિલ્મ ઉમેરી, વર્થ, આ ફિલ્મ પૂણેમાં કચરો વીણતી મહિલાઓની વાત લઈને આવે છે, તેઓ સવાલ ઉઠાવે છે, "જો કચરો તમે પેદા કરી રહ્યા છો, તો 'કચરેવાલી' ['કચરાવાળી'] અમે કેવી રીતે થયાં?" અને આબોહવા પરિવર્તનની અસર પરની અમારી ફિલ્મોમાં અમે પ્રકાશિત કરી હાફુસ, કમોસમી હવામાનથી પરેશાન હાફુસ ઉગાડનારા
વર્ષ દરમિયાન અમે સમુદાયો પરની ફિલ્મોના અમારા આર્કાઇવમાં વધુ ફિલ્મો ઉમેરતા રહ્યા છીએ: મડિગા સમુદાયના લોકો દ્વારા મેડાપુરમમાં ઉગાદીની ઉજવણી પરની આ ફિલ્મે એક નવી દલિત પરંપરાના અવાજ અને રંગને જીવંત કર્યો. તો મલબાર પ્રદેશમાં વિવિધ જાતિઓ અને સમુદાયોના કલાકારો દ્વારા કરવામાં રજૂ કરવામાં આવતી (લુપ્ત થઈ જવાના સંકટ સામે) સંઘર્ષ કરી રહેલી તોલ્પાવકૂતની કળા પરની આ લાંબી ફિલ્મ છાયા-કઠપૂતળીના ખેલ દ્વારા બહુસાંસ્કૃતિક વાર્તાઓ કહે છે. અને પડોશી રાજ્ય કર્ણાટકમાંથી તુલુનાડુમાં ભૂત પૂજાના અભિન્ન અંગ સમા નાદસ્વરમ-વાદકના જીવનનું વિગતે વર્ણન રજૂ થયું છે. તો પશ્ચિમ બંગાળની આ ફિલ્મમાં ધાતુના પૂતળા બનાવવાની લગભગ ખોવાઈ ગયેલી વેક્સ કાસ્ટિંગ પદ્ધતિ - ડોકરા - ને કચકડે કેદ કરવામાં આવી છે.
આ ફિલ્મો જરૂર જોજો!











