પારઈ ઢોલ વગાડવામાં આવે છે અને રેલી શરૂ થાય છે.
આશરે 60 લોકોનું એક ટોળું પોકાર કરે છે: “જય જય જય જય ભીમ, જય આંબેડકર જય ભીમ.” દર વર્ષે 6 ડિસેમ્બર, ડૉ . બાબાસાહેબ આંબેડકરની પુણ્યતિથિએ, મુંબઈમાં આ મહાપરિનિર્વાણ રેલી યોજાય છે
એક પછી એક, લોકો તેમની મીણબત્તીઓ પ્રગટાવે છે અને ધારાવીના પેરિયાર ચોકમાં ભેગા થાય છે અને જોતજોતામાં મુંબઈ શહેરમાં એશિયાની સૌથી મોટી ઝૂંપડપટ્ટીનો આ પટ્ટો ઉજવણીમાં જીવંત બની જાય છે. મહાપારિનિર્વન દિવસ (તેમના નિધનની વર્ષગાંઠ) કાર્યક્રમનું આયોજન જય ભીમ ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવ્યું છે. આ રેલી લગભગ બે કલાક સુધી ચાલશે અને આશરે 1.5 કિલોમીટર જેટલું અંતર કાપીને ઈવી રામાસ્વામી (પેરિયાર) ચોકથી ગણેશન કોવિલમાં આંબેડકરની પ્રતિમા સુધી જશે.
તેમના પતિ સુરેશ કુમાર રાજુ સાથે ફાઉન્ડેશનના મુખ્ય સભ્યોમાંના એક વેનિલા કહે છે, “આજનો દિવસ અમારા માટે તહેવાર જેવો છે. આખું મુંબઈ શહેર 14 એપ્રિલ (આંબેડકરનો જન્મદિવસ) અને 6 ડિસેમ્બરની ઉજવણી કરે છે, જે આ મહાન નેતાના જાતિના ભેદભાવથી પીડાતા લોકો માટેના યોગદાનને યાદ કરે છે. અમે રૂટને વાદળી ધ્વજથી શણગાર્યો અને ઘરે−ઘરે જઈને લોકોને આવવા અને અમારી સાથે જોડાવા માટે આમંત્રિત કર્યા છે.”
તેઓ પછી ધારાવીની એકમાત્ર આંબેડકરની પ્રતિમાને હાર પહેરાવે છે, અને ત્યારબાદ તેમના નેતાના યોગદાનને સમર્પિત તમિલ ગીતો ગાતા જૂથમાં જોડાય છે.

















