બુરહવાર ગામમાં રહેતા ચંદેરી કાપડના વણકર ,સુરેશ કોળી જણાવે છે, “મારી પાસે દોરા ખુટી પડ્યા છે. મારી પાસે પૈસા પણ ખલાસ થઇ ગયા છે. પરંતુ લોકડાઉનને કારણે હું મારી (તૈયાર કરેલી) સાડીઓ શેઠને પહોંચાડી નથી શકતો.”
હજી તો કોવિડ – 19ના લોકડાઉનને ભાગ્યેજ અઠવાડિયું થયું છે. 31 વર્ષના સુરેશે હજી યાર્નના છેલ્લા રીલ વણ્યા હતા.પ્રાણપુર ગામના ચંદેરી કાપડના વેપારી, આનંદીલાલ, ત્રણ તૈયાર કરેલી સાડીને શેઠને પહોંચાડવાની રાહ જોઇ રહ્યા હતાં. .
વણકરોનું ગામ ઉત્તર પ્રદેશના લલિતપુર જિલ્લામાં, બેટવા નદી પરના રાજઘાટની નજીક આવેલું છે. મધ્યપ્રદેશના અશોકનગર જિલ્લામાં નદીને કિનારે ચંદેરી નગર વસેલું છે – તે જ નામ પરથી આ હેન્ડલૂમ ટેક્સ્ટાઇલના કેન્દ્રનું નામ પડ્યું છે. શેઠનું ગામ પ્રાણપુર, આ નગરની નજીક આવેલું છે.
બુરહવાર અને ચંદેરીની વચ્ચે યુ.પી. – એમ.પી. ની બોર્ડર પર પોલીસ બેરીકેડ્સ લગાવીને પહેરો ભરે છે, સુરેશનું ગામ આનંદીલાલના ગામથી સડક-રસ્તે ૩૨ કિલોમીટર દૂર થાય છે જે લોકડાઉનના કારણે અળગું પડી ગયું છે. સુરેશ કહે છે “ મને સમજ નથી પડતી કે આ બધું શું થઇ રહ્યું છે.જે લોકો દિલ્હીથી ઘરે પાછા ફરી રહ્યા છે, તેમને પોલીસ પકડીને લઇ જઇ રહી છે.અમારા ગામમાં આવી બિમારી આવી જ કેવી રીતે શકે? પણ સરકારે અમારા જિલ્લાને લોકડાઉન કરી દીધો અને અમારી જીંદગી બહુ ખરાબ પરિસ્થિતિમાંથી પસાર થઇ રહી છે.”
સુરેશે આનંદીલાલ પાસે ત્રણ તૈયાર કરેલી સાડીઓની ચુકવણી પેટે ૫,૦૦૦ રુપિયાની માંગણી કરી. પણ સુરેશે કહ્યુ,” તેમણે ફક્ત ૫૦૦ રુપિયાની જ વ્યવસ્થા કરી અને જ્યાં સુધી બજાર ખુલે નહીં ત્યાં સુધી પુરી ચુકવણી કરવામાં આવશે નહીં”
લોકડાઉનના પહેલાં, સેઠ સુરેશને કાચો માલ પહોંચાડતા હતાં – કોટન અને સિલ્ક યાર્ન્સ, અને જરીના દોરા – અને સાડી, દુપટ્ટા,સ્ટોલ્સ,નરમ ઘરસજાવટનો સામાન કે શણના કાપડ વણવા માટે કમીશન આપતા હતા. શેઠ સુરેશને ડીઝાઇન પણ આપતા હતાં. દરેક ઓર્ડર પર ફિક્સ ભાવ આપવામાં આવતો હતો અને ડિલીવરી વખતે જ પૈસાની ચુકવણી હંમેશા રોકડેથી થઇ જતી હતી.લોકડાઉનથી વેપારીઓ અને વણકરો વચ્ચેની આ નિયમિત વ્યવસ્થામાં ખલેલ પહોંચી છે. એપ્રિલના પહેલા અઠવાડિયા સુધીમાં સુરેશને કામ ચાલુ રાખવા માટે વધુ યાર્ન અને જરીની જરૂર હતી, અને તેને તેના પરિવારને ટકાવવા માટે પૈસાની જરૂર હતી. તેણે હતાશામાં દરરોજ આનંદી લાલને ફોન કોલ કરવાનું શરૂ કર્યું. આખરે શેઠે 27 એપ્રિલના રોજ સુરેશને બેરીકેડ્સ પર મળવા સંમતિ આપી. શેઠે તેને યાર્નના સ્પૂલ અને ૪૦૦૦ રુપિયા મે ના અંત સુધીમાં ચાર સાડી વણાટ કરવા માટે એડવાન્સમાં આપ્યા. તેમણે જણાવ્યું હતું કે વણકરને બાકીની ચુકવણી પછીથી આપવામાં આવશે.
સુરેશ અને તેનો પરિવાર અનુસૂચિત જાતિ તરીકે સૂચિબદ્ધ પરંપરાગત વણકર કોળી ( ‘કોરી’ પણ ) સમુદાયના છે. સુરેશે લગભગ 14 વર્ષ પહેલા તેના પિતા પાસેથી વણાટકામ શિખ્યું હતું. ચંદેરી શહેરની આજુબાજુ અને આસપાસના ભાગમાં કાપડ વણાટકામ કરનારા મોટાભાગના લોકો કોળીઓ અને અન્સારીઓ છે ,કે જેઓ ઓબીસી સમુદાયના છે.
જ્યારે અમે તેમને ડીસેમ્બર 2019માં મળ્યા હતા, ત્યારે સુરેશની આંગળીઓ લૂમ પર એવી રીતે ફરતી હતી કે જાણે કોઇ પિયાનિસ્ટ પિયાનો પર આંગળી ફેરવતો હોય. – તે એકધારી તાલબદ્ધ રીતે લીવર અને લાકડાના સ્લેટ્સને સુસંગત રીતે ડાબી – જમણી, ઉપર – નીચે ખેંચતો જતો હતો,જેનો પડઘો તેના રુમમાં પડતો હતો. સુતરાઉ વાણા (વેફ્ટ) પદ્ધતિસર રીતે રેશમના તાણા (વાર્પ) સાથે વણતો જતો હતો. લોકડાઉન પહેલા, તે સામાન્ય રીતે રોજના 10 કલાક અને ક્યારેક ક્યારેક તો વધારાના ઓર્ડર પુરા કરવા 14 કલાક લૂમ પર બેસતો હતો.
ચંદેરી કાપડને તેના નોન ડીગમ્ડ(ગુંદર જેવો પદાર્થ કાઢ્યા વગરનો) કાચા યાર્નના ઉપયોગથી તેના અતિ સૂક્ષ્મ તંતુઓની ગુણવત્તા પ્રાપ્ત થાય છે. ફેબ્રિકમાંથી ઉત્પન્ન થતી તમામ હાથવણાટની વસ્તુઓમાંથી, ચંદેરી સાડીની ખૂબ માંગ છે. તેના નરમ રંગો, રેશમી ચમક અને સોનાની જરી બોર્ડર અને બુટ્ટીઓ (મોટિફ) તેના તફાવતને વધારે છે. ચંદેરી ક્ષેત્રમાં 500 થી વધુ વર્ષોથી વણાતી આ સાડીને 2005 માં ભૌગોલિક સંકેતનું પ્રમાણપત્ર મળ્યું હતું.ચંદેરી શહેરમાં વેપારમાં ખળભળાટ જોવા મળે છે. વણકરોએ ચુકવણીની પદ્ધતિ બાબતે શેઠ લોકો સાથે વાટાઘાટો કરવાની બાકી છે. રીટેઇલ માંગમાં ઘટાડો થવાથી તેઓ સૌ સખત રીતે અસરગ્રસ્ત થયા છે
સુરેશે જણાવ્યું કે સાદી સાડી વણતા ચાર દિવસ થાય છે,પરંતુ જરી – બુટ્ટી વાળી – હાથવણાટની બ્રોકેડ મોટીફ સાડીને તેની ડિઝાઇનની જટિલતાના આધારે ૮ થી ૧૦ દિવસ લાગે છે.ગતિ અને કલાકોની તીવ્ર એકાગ્રતાની સંવાદિતા પ્રત્યેક ચંદેરી સાડીને અનન્ય બનાવે છે.
લોકડાઉનના પહેલાં,.ચોમાસામાં ભેજને કારણે કપાસના યાર્ન ફુલી જતા હોવાના કારણે સુરેશ પાસે ચોમાસાના બે મહિના જૂનના અંત અને ઓગસ્ટના અંત સુધીના ગાળા સિવાય આખું વર્ષ કામ રહેતું. “આ કંટાળાજનક કામના લાંબા કલાકો છે,પરંતુ મને વણાટકામમાં મજા આવે છે. તે મને ખોરાક અને આજીવિકા પ્રદાન કરે છે. આ સિવાય, મને ખબર નથી કે શું કરવું. અમારી પાસે રહેવા માટે જમીન નથી , કે આવી કટોકટીમાંથી બચાવી લે તેવી કોઇ બચત પણ નથી.
ચંદેરી વણકરો સામાન્ય રીતે ઉત્પાદનના જથ્થાબંધ ભાવોના આશરે 20-30 ટકા કમાય છે. એક સાદી સાડી, એક સાદો પાલવ, જે શેઠ રિટેલરોને 2,000 રુપિયામાં વેચે છે,તેને માટે સુરેશને આશરે 600 રુપિયા મળે છે. આ કામ માટે તેને ચાર દિવસ જેટલો સમય લાગે છે. તેણે જે સાડી વણી છે તેમાંથી મોટાભાગની સાડી જથ્થાબંધમાં 5,000 રુપિયામાં વેચાય છે અને દરેકમાં આઠ દિવસનો સમય લાગે છે. જટિલ બુટ્ટી કામવાળી સાડી લોકો 20,000 રુપિયાથી વધુ કિંમતે વેચાય જાય છે અને તેના વણાટમાં એક મહિના જેટલો સમય લાગે છે. વધારે જટિલ ડિઝાઇનવાળી સાડી વણકરને 12,000રુપિયા સુધી કમાવી આપી શકે છે.
બુર્હવારમાં સુરેશના ત્રણ કમરાના મકાનમાં, તે તેની પત્નિ શ્યામબાઇ, તેમની પાંચ વર્ષની દિકરી અને તેની માતા ચમુબાઇ સાથે રહે છે, આ ત્રણ કમરામાં બે હાથશાળ એક આખો કમરો રોકી લે છે.
જ્યારે ઓર્ડર નિયમતપણે મળતા રહે ત્યારે, બંને લૂમ સંગીતબદ્ધ તાલમાં ખડખડાટ કરતા ,કરતા રોજ સાડી બનાવતા રહે છે. સુરેશ તેના પિતાની લૂમ પર કામ કરે છે .શ્યામબાઇ બીજી લૂમ પર કામ કરે છે. બંને જણ ભેગા મળીને મહિને આશરે 10,000–15,000 રુપિયાની કમાણી કરી લે છે.શ્યામબાઈ ચંદેરીમાં વણકર કુટુંબમાં જ ઉછર્યા હતા, જ્યાં તેણે તેના પિતા અને ભાઈ પાસેથી લૂમની બારિકીઓ શીખી હતી. શ્યામબાઇએ જણાવ્યું, “જ્યારે મારે સુરેશ સાથે લગ્ન થયા ત્યારે કમરામાં એક જ લૂમ હતી. હું થોડી મદદ કરી શકતી હતી, પરંતુ અમે અમારી કમાણીમાં વધારો કરી શકતા નહતા. બે વર્ષ પહેલાં, અમે મારા માટે નવી લૂમ ખરીદવા માટે 50,000 રુપિયાની લોન લીધી. જેની મદદથી, અમે સાડી અને કાપડની સંખ્યામાં વધારો કરી શકીએ એમ છીએ ". વણકર માટે ખાસ યોજના હેઠળ બેંકમાંથી લીધેલી લોન પરત કરવા માટે તેઓ માસિક 1,100 રુપિયાનો હપ્તો ભરે છે.
પ્રસંગોપાત, જ્યારે શેઠ તરફ્થી કામ ઓછું હોય, ત્યારે શ્યામબાઇ ચમુબાઇને તેન્ડુ ના પત્તાઓ ભેગા કરવામાં મદદ કરે છે. ચમુબાઇ આજીવિકા માટે બીડી વાળવાનું કામ કરે છે અને પ્રત્યેક 1,000 બીડી વાળવા માટે તેને 110 રુપિયાની મજુરી મળે છે. તેની આવક પણ લોકડાઉનના કારણે બંધ થઇ ગઇ છે.
ચંદેરી શહેરમાં વેપારમાં ખળભળાટ છે. ચુકવણી કેવી રીતે કરવી તેને માટે વણકરોએ શેઠો સાથે વાટાઘાટો કરવાની બાકી છે. છૂટક માંગમાં ઘટાડો થયો હોવાથી તેઓ સૌથી સખત અસરગ્રસ્ત છે. મોટાભાગના વણકર વેપારીઓ અથવા મુખ્ય વણકર માટે કામ કરે છે (સામાન્ય રીતે, પીઢ વણકર કે જે વેપારીઓ પણ હોય છે).
એપ્રિલની મધ્યમાં, ચંદેરી શહેરમાં રહેતા 33 વર્ષીય પ્રદીપ કોળીને તેમના શેઠે કહ્યું હતું કે મજુરીનો દર ઘટાડવામાં આવશે – અઠવાડિયે 1,500 રુપિયાથી ઘટાડીને અઠવાડિયે માત્ર રૂ. 1,000 - " માહોલ [વાતાવરણ] બદલાય ત્યાં સુધી". પ્રદીપ કહે છે, “અમે દલીલ કરી, અને તેણે નવા દરો ફક્ત નવા ઓર્ડર માટે લાગુ કરવા સંમતિ આપી અને હાલના ઓર્ડર માટે પહેલાના દર મંજુર કર્યા. પરંતુ જો મહૌલ ઝડપથી નહીં બદલાય, તો અમે મોટી મુશ્કેલીમાં મુકાઈ જઈશું.”
ચંદેરી ગામમાં વણકરોને સરકારે લોકડાઉનમાં રેશન આપવાનું વચન આપ્યું હતું,પરંતુ તેમને રેશનના નામે એપ્રિલ મહિનામાં ફક્ત 10 કિલો ચોખા મળ્યા હતાં. 42 વર્ષના દીપકુમાર, કે જે 24 વર્ષથી વણાટકામ કરે છે,તેઓ કહે છે, “નગરપાલિકાના ઓફિસરોએ અમારા મહોલ્લાનો સર્વે કર્યો હતો અને અમને દાળ, ચોખા અને લોટ(ઘંઉનો લોટ) રેશનમાં આપવાનું વચન આપ્યું હતું,પરંતુ હકિકતમાં જ્યારે રેશન આપવામાં આવ્યું , તો ફક્ત ચોખા જ આપવામાં આવ્યા.” તેઓ કહે છે કે હવે અમારે અમારા ઘરના છ લોકો માટે વિચારી વિચારીને રેશન વાપરવું પડે છે,તે જણાવે છે ,”મેં કોઇ દિવસ એવું વિચાર્યું નહતું કે મારે ચામાં ખાંડ નાંખતા પહેલાં બે વાર વિચારવું પડશે. કે મેં એવું પણ નહોતું વિચાર્યું કે મને રોજ ઘંઉની રોટલી રોજ ખાવા નહીં મળે.”દીપ કુમારના મકાનમાં લૂમ્સ - બીજી લૂમ્સ તેના ભાઇ દ્વારા સંચાલિત - ટૂંક સમયમાં શાંત થઈ જશે કારણ કે તેઓ પાસે યાર્ન ખલાસ થઈ ગયા છે. લોકડાઉન પહેલાં ઘરની સાપ્તાહિક આવક સરેરાશ 4,500 રુપિયા હતી,તે ઘટીને 500 રુપિયા થઇ ગઇ છે. “હું શનિવારે [દર અઠવાડિયે] શેઠ પાસે પૈસા લેવા જાઉં છું. બુધવાર સુધીમાં મારી પાસે પૈસા રહ્યા નથી” એમ કુમાર કહે છે.
“જ્યારે પાવરલૂમ્સ લોકપ્રિય થયા, ત્યારે ચંદેરી સાડીઓની માંગ ઘટી ગઇ હતી. અમે એવા સમયમાંથી પસાર થયા છીએ.અમે પ્રબંધ કર્યો. પરંતુ આ પ્રકારની કટોકટી મારી સમજમાં નથી આવતી. પુરવઠો નથી, માંગ નથી, પૈસા પણ નથી. “73 વર્ષના તુલસીરામ કોળી જણાવે છે,જેઓ 50 વર્ષથી વધુ સમયથી વણાટકામ કરે છે અને તેમને 1985માં નેશનલ એવોર્ડ પણ મળ્યો છે. ચંદેરીના તેમના મકાનમાં છ લૂમ્સ છે,જેને તે પોતે, તેમની પત્નિ,તેમના બે દિકરા અને પૂત્રવધુ ચલાવે છે.
અશોકનગર જિલ્લામાં હજી સુધી કોવિડ -19ના કોઇ કેસ નોંધાયા નથી, છતાં પણ લોકડાઉન હટાવ્યા પછી આ નુકસાન ભરપાઇ કરવામાં બહુ લાંબી મજલ કાપવી પડશે.
“મને નથી લાગતું કે અમને આવતા 6-7 મહિના સુધી નવા ઓર્ડર મળશે. તે પછી પણ, અમે એક અસાધારણ મંદી જોઇશું કારણ કે લોકોને હાથવણાટવાળી સાડીઓ પહેરવાનો શોખ મોંઘો પડશે. તે ખરીદવાની લોકોની ક્ષમતા નહીં હોય. તેઓ [સસ્તી] પાવરલૂમ ખરીદશે, "ચંદેરી શહેરના એક વેપારી અમીનુદ્દીન અન્સારી કહે છે કે, જે લગભગ 100 હેન્ડલૂમ વણકર સાથે કામ કરે છે.
લોકડાઉનના પહેલા, અમીનુદ્દિનને મહિને આશરે 8-9 લાખ રુપિયાના ઓર્ડર મળતા હતાં. તેનાં ગ્રાહકોમાં દિલ્હીના શૉરુમ અને મોટી કાપડની બ્રાન્ડનો સમાવેશ થતો હતો, કે જેઓ તેને કાચો માલ ખરીદવા એડવાન્સમાં પૈસા આપતા હતાં. અમીનુદ્દીનને આશા છે કે ઘણાં વણકરો આવતા મહિનાઓમાં વધુ સારું દૈનિક વેતન મેળવશે.શોરૂમ અને કપડાની બ્રાન્ડ્સએ ઓર્ડર રદ કરવાનું શરૂ કર્યું છે. તેમની સાથે કામ કરતા 120 વણકર ધરાવતા સુરેશના શેઠ, આનંદી લાલ કહે છે કે ઘણા મોટા બ્રાન્ડના શોરુમ્સ સામાન્ય રીતે તેમના કર્મચારીઓને ઓર્ડર આપવા માટે ચંદેરી મોકલે છે. “અમને આ વર્ષે જાન્યુઆરીમાં [મોટી બ્રાન્ડનો] 1 કરોડ રુપિયાનો ઓર્ડર મળ્યો હતો. . મેં 10-15 લાખ રુપિયાનો સામાન વણકરોને આપવા માટે ખરિદ્યો હતો. . લોકડાઉનની ઘોષણા થયાના લગભગ પાંચ દિવસ પછી, અમને તેમના તરફથી અમારું કામ કેટલું થયું છે તેનું મૂલ્યાંકન કરવા ફોન આવ્યા.” તેના લગભગ 10 દિવસ પછી,ઓર્ડર્સ રદ કરવામાં આવ્યા હતા, જે પહેલેથી લૂમ્સ પર હતા, તેને સાચવવાના છે. “
લોકડાઉન પહેલાં, વણકરો ઘણી વાર વાત કરતા હતા કે કેવી રીતે સાડીના વેચાણથી વેપારી દ્વારા મોટા પ્રમાણમાં નફો મેળવવામાં આવે છે, જેઓ વણકરને ખર્ચ અને ચુકવણીની હિસાબ પછી 40 ટકા જેટલો નફો મેળવે છે. બે વર્ષ પહેલાં, 34 વર્ષના મોહમ્મદ દિલશાદ અન્સારી અને કેટલાક 12-13 કુટુંબ અને મિત્રોએ વચેટિયાઓની કડીમાંથી બહાર આવવા માટે વણકરનો અનૌપચારિક રીતે સામૂહિક પ્રારંભ કર્યો હતો. તેમણે હેન્ડલૂમ કોર્પોરેશનમાં સ્વતંત્ર વણકર તરીકે નોંધણી કરાવી અને સાથે મળીને ઓર્ડર પર કામ કરવાનું શરૂ કર્યું. તેમણે જણાવ્યું, "અમે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ જેવા સોશ્યલ મીડિયા અને વોટ્સએપ પર ઓર્ડર લેવાનું શીખ્યા.” હવે તેઓ પાસે કુલ 74 વણકર છે.
પરંતુ ત્યાર બાદ કોવિડ -19 આવ્યો. માર્ચમાં, દિલશાદ દિલ્હીમાં દસ્તાકાર નામના એક એનજીઓ દ્વારા આયોજીત પ્રદર્શનમાં હતો જે હસ્તકલાને પ્રોત્સાહન આપે છે અને કારીગરોને ટેકો આપે છે. તેમણે આશા રાખી હતી કે ત્યાં તેમનો 12-15 લાખનો માલ વેચાઇ જશે. પરંતુ દિલ્હી સરકારે 13 માર્ચે સામુહિક મેળાવડા પર પ્રતિબંધ મૂક્યો. તે કહે છે,“અમે 75,000 રૂપિયા કરતાં પણ ઓછી કિંમતનો માલ વેચીને ઘરે પાછા ફર્યા. ”
એપ્રિલના પહેલા અઠવાડિયા સુધીમાં તો, ખરીદદારો કે જેમણે બાકીના વર્ષ માટે ઓર્ડર આપ્યા હતા તેઓએ તેને રદ કરવાનું શરૂ કર્યું. દિલશાદ સાવ હતાશ થઇ ગયો છે. “મને રાત્રે ઉંઘ નથી આવતી. અમને ખબર નથી કે સાડીઓ ફરીથી ક્યારે વેચાશે. ત્યાં સુધી અમે શું કરીએ? ” તે પૂછે છે.
જ્યારે બજારો ફરી ખુલશે, ત્યારે વેપારીઓ પાસે કાચો માલ ખરીદવાનો અને જથ્થાબંધ ઓર્ડર લેવાના સંસાધનો હોઈ શકે છે, પરંતુ, દિલશાદ ભવિષ્ય ભાખે છે કે, “અમે શેઠ પાસે પાછા જવાની પ્રથાનો અંત લાવીશું. અથવા અમારા જેવા ઘણા વણકર ચંદેરીની બહાર દૈનિક વેતનનું કામ કરવા જશે. ”
અનુવાદ : છાયા વ્યાસ