રવિ કુમાર નેતામ સ્મિત સાથે કહે છે, “હાથીઓ ઘણી વખત મારા પાછળ પડ્યા છે, પરંતુ મને ક્યારેય ઈજા થઈ નથી.”

25 વર્ષીય ગોંડ આદિવાસી અરસીકનહર પર્વતમાળામાં જંગલના માર્ગ પર ચાલી રહ્યા છે. છત્તીસગઢમાં ઉદંતી સિતાનદી ટાઇગર રિઝર્વમાં હાથીની હિલચાલ પર નજર રાખનારા આ આદિવાસી હાથીના મળમૂત્ર અને પગની છાપને અનુસરીને કેવી રીતે આ મહાકાય પ્રાણીની હિલચાલ પર નજર રાખવી તે બખૂબી જાણે છે.

ધમતરી જિલ્લાના થેનહી ગામના રવિ કહે છે, “મારો જન્મ અને ઉછેર જંગલમાં જ થયો છે. આ વસ્તુઓ વિશે જાણવા માટે મારે કંઈ શાળાએ જવાની જરૂર નથી.” તેમણે 12મા ધોરણ સુધી અભ્યાસ કર્યો અને પછી પોતાના વર્તમાન વ્યવસાયમાં આવતા પ્રવૃત્ત થતાં પહેલાં લગભગ ચાર વર્ષ પહેલાં વન વિભાગમાં ફાયર ગાર્ડ તરીકે કામ કરવાનું શરૂ કર્યું હતું.

જેમ જેમ તેઓ આપણને જંગલમાં લઈ જાય છે, તેમ તેમ જંતુઓનો આછો ઘોંઘાટ અને સાલ (શોરિયા રોબસ્ટા) અને સાગ (ટેક્ટોના ગ્રાન્ડિસ) વૃક્ષોમાંથી વાતા પવનનો અવાજ સંભળાવા લાગે છે. પ્રસંગોપાત, એકાદ પક્ષીનો અવાજ આવે છે અથવા ડાળી તૂટી જવાનો અવાજ આવે છે. હાથીની હિલચાલ પર નજર રાખનારા લોકો અવાજો તેમજ દૃશ્ય સંકેતો પર ખાસ ધ્યાન આપવું પડે છે.

PHOTO • Prajjwal Thakur
PHOTO • Prajjwal Thakur

ડાબે: રવિ કુમાર નેતામ કહે છે, મારો જન્મ અને ઉછેર જંગલમાં જ થયો છે. આ વસ્તુઓ વિશે જાણવા માટે મારે કંઈ શાળાએ જવાની જરૂર નથી. જમણેઃ અરસીકનહર પર્વતમાળામાં હાથીની હિલચાલ પર નજર રાખનારા ટ્રેકર્સની છાવણી. હાથીઓ લગભગ 300 મીટર દૂર છે

હાથીઓ આ જંગલના તાજેતરના મુલાકાતીઓ છે. તેઓ ત્રણ વર્ષ પહેલાં ઓડિશાથી અહીં આવ્યા હતા. આ જૂથ વન અધિકારીઓમાં સિકાસેર હાથીના ટોળા તરીકે ઓળખાય છે. અહીં આવ્યા ત્યારથી તેઓ 20-20ના બે જૂથોમાં વહેંચાયેલા છે. દેવદત્ત તારામ કહે છે કે એક જૂથ ગરિયાબંદ ગયું છે અને બીજા જૂથને અહીંના સ્થાનિક લોકો દ્વારા ટ્રેક કરવામાં આવી રહ્યું છે. 55 વર્ષીય દેવદત્ત ગાર્ડ તરીકે વન સેવામાં જોડાયા હતા અને હવે વન રેન્જર તરીકે કામ કરે છે. 35 વર્ષથી વધુ વર્ષના અનુભવ સાથે, તેઓ જંગલની રગે રગથી વાકેફ છે.

હાથીઓને આ જગ્યા કેમ ગમે છે તે સમજાવતાં દેવદત્ત કહે છે, “જંગલમાં આવેલાં તળાવો અને આ વિસ્તારમાં આવેલા કેટલાક બંધ સહિત અહીં પુષ્કળ પાણી છે.” આ મહાકાય પ્રાણીનો મનપસંદ ખોરાક એવો મહુઆ વૃક્ષનું ફળ આ જંગલમાં ઘણી મોટી માત્રામાં છે. અને વધુમાં તે માનવ હસ્તક્ષેપથી લગભગ મુક્ત જ છે. દેવદત્ત ઉમેરે છે, “જંગલ ગાઢ છે અને ત્યાં કોઈ ખાણકામની પ્રવૃત્તિઓ નથી. આ પરિબળો આ પ્રદેશને હાથીઓ માટે યોગ્ય બનાવે છે.”

હાથીની હિલચાલ પર નજર રાખનારા ટ્રેકર્સ તમામ ઋતુઓમાં દિવસની અને રાતની એમ બે પાળીમાં કામ કરે છે, હાથીઓને પગપાળા ટ્રેક કરે છે અને હલનચલનની તપાસ કરવા માટે ગામડાઓની મુલાકાત પણ લે છે. તેઓ તેમના તારણોની જાણ હાથી ટ્રેકર એપ્લિકેશન પર જીવંત ધોરણે કરે છે.

PHOTO • Prajjwal Thakur
PHOTO • Prajjwal Thakur

ડાબેઃ હાથીઓને તેમનાં પદચિહ્નો દ્વારા કેવી રીતે ટ્રેક કરવામાં આવે છે તે સમજાવતાં વન રેન્જર દેવદત્ત તારામ. જમણેઃ હાથીના મળમૂત્રનું નિરીક્ષણ કરતા નાથુરામ નેતામ

PHOTO • Prajjwal Thakur
PHOTO • Prajjwal Thakur

ડાબેઃ તેમના પેટ્રોલિંગ પર હાથી ટ્રેકર્સ. જમણેઃ ટ્રેકરોએ એપ્લિકેશન પર ડેટા અપલોડ કરવો પડે છે અને લોકોને ચેતવણી આપવી પડે છે અને વોટ્સઅપ પર અહેવાલો મોકલવા પડે છે

ઉદંતી સિતાનદી ટાઇગર રિઝર્વના નાયબ નિયામક વરુણ કુમાર જૈન કહે છે, “આ એપ્લિકેશન એફ.એમ.આઈ.એસ. (ફોરેસ્ટ મેનેજમેન્ટ ઇન્ફર્મેશન સિસ્ટમ) અને પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલયની વન્યજીવ શાખા દ્વારા સંયુક્ત રીતે વિકસાવવામાં આવી છે. આ માહિતીનો ઉપયોગ હાથીઓના સ્થાનની 10 કિમીની ત્રિજ્યામાં રહેતા રહેવાસીઓને ચેતવણી આપવા માટે કરવામાં આવે છે.”

હાથીઓને ટ્રેક કરતી ટીમના કામના કોઈ નિશ્ચિત કલાકો નથી અને કરારના આધારે મહિને 1500 રૂપિયા કમાય છે, જેમાં ઇજાઓ માટે કોઈ વીમા નથી. ગોંડ આદિવાસી સમુદાયના 40 વર્ષીય વન રક્ષક નારાયણ સિંહ ધ્રુવ કહે છે, “જો હાથીઓ રાત્રે આવે છે, તો અમારે પણ રાત્રે આવવું પડશે કારણ કે હું આ વિસ્તારનો રક્ષક છું. તે મારી જવાબદારી છે.”

“હાથીઓ બપોરે 12-3 વાગ્યા સુધી સૂઈ જાય છે. અને તે પછી મુખ્ય હાથણ [આગળ ચાલવાનો] અવાજ કરે છે અને ટોળું ફરીથી ચાલવાનું શરૂ કરે છે. જો તેઓ કોઈ માણસને જુએ તો હાથીઓ અવાજ કરે છે અને બાકીના ટોળાને સાવચેત કરી દે છે.” આ ટ્રેકર્સને પણ ચેતવણી આપે છે કે હાથીઓ નજીક છે. ધ્રુવ કહે છે, “મેં હાથીઓ વિશે કંઈ પણ અભ્યાસ કર્યો નથી. હું હાથીઓ વિશે જે પણ શીખ્યો છું તે હાથી ટ્રેકર તરીકે કામ કરવાના મારા અનુભવમાંથી જ શીખ્યો છું.”

નાથુરામ કહે છે, “જો હાથી દિવસમાં 25-30 કિલોમીટર ચાલે, તો તે સજા જેવું છે.” નાથુરામ ત્રણ બાળકોના પિતા છે અને તેઓ જંગલમાં એક નેસમાં બે ઓરડાના કાચા મકાનમાં રહે છે. તેઓ વન વિભાગમાં ફાયર વોચર તરીકે કામ કરતા હતા પરંતુ બે વર્ષ પહેલાં હાથીઓને ટ્રેક કરવાનું શરૂ કર્યું છે.

PHOTO • Prajjwal Thakur
PHOTO • Prajjwal Thakur

ડાબેઃ વન રક્ષક અને હાથીની હિલચાલ પર નજર રાખનારા નારાયણ સિંહ ધ્રુવ કહે છે, જો હાથી રાત્રે આવે તો અમારે પણ આવવું પડશે. જમણેઃ પંચાયત કચેરી નજીક આવેલા થેનહી ગામના રહેવાસીઓ. તેમના પાકને હાથીઓ દ્વારા નુકસાન થયું છે

*****

જ્યારે રાત્રે ટ્રેકર્સ દ્વારા ચેતવણી આપવામાં આવે છે, ત્યારે આખું ગામ ખેતરમાં ચરતા હાથીઓને જોવા માટે ઊંઘમાંથી જાગી જાય છે. યુવકો અને બાળકો સલામત અંતરે ઊભા રહે છે, અને તેમની વીજળીની હાથબત્તીઓના પ્રકાશમાં આ કદાવર પ્રાણીને જુએ છે.

રહેવાસીઓ સામાન્ય રીતે હાથીઓને દૂર રાખવા માટે આખી રાત આગ સળગાવતા રહે છે, જેઓ ખોરાકની શોધમાં રાત્રે ડાંગરના ખેતરોમાં ચરવા માટે બહાર આવવાનું પસંદ કરે છે. જંગલમાં આવેલાં ગામડાંના કેટલાક રહેવાસીઓ આખી રાત તાપણું કરીને તેની આસપાસ બેસીને પાકનું ધ્યાન રાખે છે, પરંતુ તેમના પાકને હાથીઓના ટોળાથી બચાવી શકતા નથી.

થેનહીના રહેવાસી નોહર લાલ નાગ કહે છે, “જ્યારે હાથીઓ પહેલી વાર અહીં આવ્યા ત્યારે વન વિભાગના લોકો એટલા ખુશ હતા કે તેમણે હાથીઓને શેરડી, કોબીજ અને કેળા જેવા ઘણા ફળો અને શાકભાજી આપ્યા હતા.” નોહર જેવા રહેવાસીઓ આ આનંદમાં સહભાગી નથી અને તેમના પાકને થયેલા નુકસાનની ચિંતા કરે છે.

PHOTO • Prajjwal Thakur
PHOTO • Prajjwal Thakur

ડાબે અને જમણેઃ થેનહીમાં હાથીઓએ સર્જેલી તારાજી

જ્યારે પારીએ બીજે દિવસે સવારે થેનહી ગામની મુલાકાત લીધી, ત્યારે અમે હાથીઓ દ્વારા છોડી દેવાયેલાં નિશાન અને નુકસાનને જોયું. હાથીઓના ટોળાએ નવા વાવેલા પાકનો નાશ કર્યો હતો અને વૃક્ષોના થડ પર કાદવ હતો જ્યાં તેઓ તેમની પીઠને ખંજવાળતા હતા.

ઉદંતી સિતાનદી ટાઇગર રિઝર્વના ડેપ્યુટી ડિરેક્ટર વરુણ કુમાર જૈનના જણાવ્યા અનુસાર વન વિભાગે વળતર પેટે એકર દીઠ 22,249 રૂપિયા આપ્યા છે. પરંતુ અહીંના રહેવાસીઓ માને છે કે અમલદારશાહીની “પ્રક્રિયા”ને કારણે પૈસા યોગ્ય રીતે પૂરા પાડવામાં આવશે નહીં. તેઓ પૂછે છે, “હવે અમે શું કરી શકીએ? જે કરવાનું છે તે વન અધિકારીઓએ કરવાનું છે, અમે તો માત્ર એટલું જ જાણીએ છીએ કે, અમને અહીં હાથીઓ જોઈતા નથી.”

Prajjwal Thakur

پرجّول ٹھاکر، عظیم پریم جی یونیورسٹی میں انڈر گریجویٹ طالب علم ہیں۔

کے ذریعہ دیگر اسٹوریز Prajjwal Thakur
Editor : Sarbajaya Bhattacharya

سربجیہ بھٹاچاریہ، پاری کی سینئر اسسٹنٹ ایڈیٹر ہیں۔ وہ ایک تجربہ کار بنگالی مترجم ہیں۔ وہ کولکاتا میں رہتی ہیں اور شہر کی تاریخ اور سیاحتی ادب میں دلچسپی رکھتی ہیں۔

کے ذریعہ دیگر اسٹوریز Sarbajaya Bhattacharya
Translator : Faiz Mohammad

Faiz Mohammad has done M. Tech in Power Electronics Engineering. He is interested in Technology and Languages.

کے ذریعہ دیگر اسٹوریز Faiz Mohammad