હાથ લંબાવી ખુલ્લી હથેળીમાં નારિયેળ લઈને, હથેળીમાંનું એ નાળિયેર ગોળ ગોળ ફરે, નમે અને પડે એની રાહ જોતા પૂજારી આંજનેયલુ મુદ્દલાપુરમના ખેતરોમાં ફરે છે.  છે. અને જે જગ્યાએ હાથમાંનું નાળિયેર ગોળ ગોળ ફરી, નમીને પડે એ જગ્યા 'X' ચિહ્નિત સ્થળ છે એની તેઓ અમને ખાતરી આપે છે. અનંતપુર જિલ્લાના આ ગામમાં તેઓ અમને કહે છે, "અહીંથી તમને પાણી મળશે. બરોબર આ સ્થળે બોરવેલ ખોદી જુઓ."

માંડ એક ગામ દૂર, રાયુલુ દોમતિમ્મના નીચા નમીને બીજા એક ખેતરમાં ફરે છે. તેમણે બંને હાથ વડે પકડી રાખેલી મોટા કાંટાવાળી એક ડાળી તેમને રાયલપ્પદોડ્ડીમાં પાણી સુધી પહોંચાડશે. તેઓ સમજાવે છે, "જે જગ્યાએ ડાળીને ઉપરની તરફ ધક્કો લાગે છે ત્યાં બોરવેલ ખોદવાથી પાણી મળે છે." રાયુલુ તેમની આ પદ્ધતિ માટે નમ્રતાપૂર્વક "90 ટકા સફળતા" ના દરનો દાવો કરે છે.

અનંતપુરના એક બીજા મંડળમાં ચંદ્રશેખર રેડ્ડી યુગોથી ફિલસૂફોને મૂંઝવનાર પ્રશ્ન સામે ઝઝૂમી રહ્યા છે. શું મૃત્યુ પછી જીવન છે? રેડ્ડી માને છે કે તેઓ જવાબ જાણે છે. તેઓ કહે છે, "પાણી એ જીવન છે." અને તેથી તેમણે ચાર બોરવેલ કબ્રસ્તાનમાં ખોદ્યા છે. તેમની પાસે તેમના ખેતરોમાં બીજા 32 બોરવેલ છે. અને તેમના ગામ જંબુલાદિનેમાં અલગ અલગ જગ્યાએ આવેલા તેમના પાણીના સ્ત્રોતોને તેમણે 8 કિલોમીટર લાંબી પાઇપલાઇન વડે જોડ્યા છે.

અંધશ્રદ્ધા, ગૂઢવિદ્યા, ભગવાન, સરકાર, ટેક્નોલોજી અને નાળિયેર, બધાને અનંતપુરની પાણીની શોધના મરણિયા પ્રયાસમાં જોતરવામાં આવ્યા છે. એ બધાની સંયુક્ત સફળતાનો દર પ્રભાવશાળી રહ્યો નથી. જોકે પૂજારી અંજનેયલુ જુદો દાવો કરે છે.

નમ્ર, આનંદી સ્વભાવના અંજનેયલુ કહે છે કે (જમીનમાં કઈ જગ્યાએ બોરવેલ ખોદવાથી પાણી નીકળશે એ પારખવાની) તેમની પદ્ધતિ નિષ્ફળ જતી નથી. તેમની આ કુશળતા ઈશ્વરદત્ત છે. તેઓ કહે છે, "જ્યારે લોકો ખોટા સમયે મને આ કામ કરવા માટે દબાણ કરે ત્યારે જ આ પદ્ધતિ આપણને નિરાશ કરી શકે છે." (એક બોરવેલ પોઇન્ટ શોધી આપવાના ભગવાન 300 રુપિયા લે છે). તેઓ હથેળીમાં નાળિયેર ઝૂલાવતાં અમને ખેતરોમાં લઈ જાય છે.

PHOTO • P. Sainath
PHOTO • P. Sainath

અનંતપુરના મુદ્દલાપુરમમાં ખેતરોમાં બોરવેલ ક્યાં ખોદવો જોઈએ એ નક્કી કરવા પૂજારી અંજનેયલુ નાળિયેરનો ઉપયોગ કરે છે

PHOTO • P. Sainath
PHOTO • P. Sainath

રાયલપ્પ દોમતિમ્મના એ રાયલપ્પદોડ્ડીના પાણીકળા છે. તેઓ તેમની પદ્ધતિ માટે નમ્રતાપૂર્વક '90 ટકા સફળતા' ના દરનો દાવો કરે છે

જોકે, અહીં (આ પદ્ધતિની વિશ્વસનીયતા બાબતે) હંમેશ શંકા ઉઠાવનારા પણ રહેવાના. જેમ કે, બોરવેલ ક્યાં ખોદવો એ નક્કી કરવા આ પદ્ધતિનો ઉપયોગ કરવાનો નિષ્ફળ પ્રયાસ કરનાર એક નારાજ ખેડૂત. એ ખેડૂતે નિરાશાથી કહ્યું, "અમને પાણી મળ્યું તે ફક્ત નઠ્ઠારા નાળિયેરમાં!"

દરમિયાન, રાયુલુની ડાળીને ઉપરની તરફ ધક્કો લાગે છે. તેમને ચોક્કસપણે પાણી મળ્યું છે. તેમની એક તરફ તળાવ છે અને બીજી તરફ કાર્યરત બોરવેલ છે. રાયુલુ કહે છે કે તેઓ ભગવાનમાં માનતા નથી. કાયદો એ આખી અલગ વસ્તુ છે. તેઓ અમારી પાસે ખાતરી માગતા પૂછે છે, "કૌશલ્યના આ પ્રદર્શન બદલ છેતરપિંડી માટે મને કોર્ટમાં તો નહીં ઢસડી જાઓ ને?" અમે એવું નહીં થાય એની તેમને ખાતરી આપીએ છીએ. આખરે તેમની સફળતાનો દર સરકારના જળ સર્વેક્ષણ કરનારાઓ કરતાં વધુ ખરાબ ન હોઈ શકે.

ભૂગર્ભજળ વિભાગના ભૂસ્તરશાસ્ત્રીઓની કામગીરી, જો એમને ભૂસ્તરશાસ્ત્રીઓ કહી શકાય તો, નિરાશાજનક રહી છે. કેટલાક કિસ્સાઓમાં, અનિચ્છનીય રીતે નિરાશાજનક. પાણીકળા તરીકે તમારી ઓફિસની બહાર ખાનગી રીતે કામ કરી વ્યવસ્થિત રકમ વસૂલવાનું વધુ વ્યવહારુ છે. અને જો તમે 'નિષ્ણાત' ના લેબલ સાથે આવતા હો તો તમને નિયમિત રીતે ગ્રાહકો પણ મળી રહે એ નક્કી. અમે જે છ જિલ્લાઓની મુલાકાત લીધી તેમાં નિષ્ણાતો દ્વારા બતાવાયેલ મોટાભાગની જગ્યાઓએ ખોદેલા બોરવેલ નિષ્ફળ ગયા છે.  400 ફૂટ ઊંડે સુધી ખોદ્યા પછી પણ ત્યાંથી પાણી નીકળ્યું નથી. પૂજારી અને રાયુલુ તો પાણીકળાઓની વધતી જતી સેનાના બે સભ્યો માત્ર છે.

જમીનમાં કઈ જગ્યાએ બોરવેલ ખોદવાથી પાણી નીકળશે એ પારખવાનો વેપાર કરનારા તમામની પોતપોતાની બિનપરંપરાગત પદ્ધતિઓ છે. આવા પાણીકળાઓ રાજ્યભરમાં અસ્તિત્વમાં છે અને તેમની કેટલીક રમૂજી અને રૂઢિગત તકનીકો ધ હિન્દુના નલગોંડા સ્થિત એક યુવા પત્રકાર એસ. રામુએ સૂચિબદ્ધ કરી છે. તેમાંની એક તક્નીકમાં પાણીકળો ‘O’ પોઝિટિવ બ્લડ ગ્રુપનો હોય એવી આવશ્યકતા સામેલ છે. તો વળી બીજો એક પાણીકળો જ્યાં સાપ પોતાનું દર બનાવતા હોય એવા સ્થળોની નીચે પાણી શોધે છે. અનંતપુર પાસે તેના પોતાના તરંગી પાણીકળાઓ છે.

જોકે આ ઉપરછલ્લી બાલિશતાની નીચે છે જીવન ટકાવી રાખવા/ગુજરાન ચલાવવા માટેનો ભયાવહ સંઘર્ષ, એવા એક જિલ્લાનો જેણે ઉપરાઉપરી સતત ચાર પાક નિષ્ફળ થતા જોયા છે. રેડ્ડીના કબ્રસ્તાનના 4 બોરવેલમાંથી પણ તેમણે આશા રાખી હતી તેના કરતાં ઓછું પાણી મળી રહ્યું છે. બધું મળીને આ ગ્રામ્ય અધિકારી (વિલેજ ઓફિસર - વીઓ) એ તેમની પાણીની શોધ પાછળ 10 લાખ રુપિયા ખર્ચ્યા છે. દર મહિને તેમનું દેવું વધતું જાય છે. તેઓ કહે છે, "ગયા અઠવાડિયે મેં સરકારી હેલ્પલાઇન પર ફોન કર્યો હતો. આ રીતે મારું ગાડું ક્યાં સુધી ચાલશે? આપણી પાસે થોડુંઘણું પાણી તો હોવું જોઈએ ને.”

PHOTO • P. Sainath
PHOTO • P. Sainath

ચંદ્રશેખર રેડ્ડીએ ચાર બોરવેલ કબ્રસ્તાનમાં ખોદ્યા છે. તેમની પાસે તેમના ખેતરોમાં બીજા 32 બોરવેલ છે. અને તેમના ગામ જંબુલાદિનેમાં અલગ અલગ જગ્યાએ આવેલા તેમના પાણીના સ્ત્રોતોને તેમણે 8 કિલોમીટર લાંબી પાઇપલાઇન વડે જોડ્યા છે

ખેડૂતોની સતત આત્મહત્યાઓ અને તીવ્ર કૃષિ સંકટ વચ્ચે આંધ્રપ્રદેશની વાય.એસ. રાજશેખર રેડ્ડી સરકાર દ્વારા મુશ્કેલીમાં મુકાયેલા લોકો સાથે વાત કરવા માટે હેલ્પલાઇનની શરૂઆત કરવામાં આવી હતી. ખેડૂતોની આત્મહત્યાઓથી મોટાભાગના બીજા રાજ્યો કરતા વધુ ખરાબ રીતે અસરગ્રસ્ત આ રાજ્યના અનંતપુર જિલ્લામાં ખેડૂતોની આત્મહત્યાની ઘટનાઓ સૌથી વધુ સંખ્યામાં જોવા મળી છે.  'સત્તાવાર' ગણતરી મુજબ અહીં છેલ્લા સાત વર્ષમાં આત્મહત્યાની 500 થી વધુ ઘટનાઓ બનવા પામી છે. અને બીજા સ્વતંત્ર અંદાજ મુજબ તો આત્મહત્યાની ઘટનાઓની સંખ્યા એ આંકડા કરતા અનેકગણી વધારે છે.

હેલ્પલાઈન પર રેડ્ડીનો કોલ ચેતવણીનો સ્પષ્ટ સંકેત લેખાવો જોઈએ. તેઓ અત્યંત ભયજનક પરિસ્થિતિનો સામનો કરી રહેલ ખૂબ જ સંવેદનશીલ જૂથમાંથી છે. પાણીનાં સપનાં જોતાં જોતાં દેવામાં ડૂબી રહેલા લોકોના જૂથમાંના એક. તેમણે જે બાગાયતમાં આટલું મોટું રોકાણ કર્યું છે તે ખંડિયેર હાલતમાં છે. તેમના ઘણાખરા બોરવેલની પણ એ જ હાલત છે.

અત્યંત પૈસાદાર લોકો આ પ્રકારના સંકટનો પૂરેપૂરો ગેરલાભ ઉઠાવી પોતાનો ફાયદો કરવા તૈયાર જ બેઠા હોય છે. ખાનગી પાણીના બજારો ઝડપથી ઉભરી આવ્યા છે. આ બજારો પર ‘પાણીના માફિયાઓ'નું વર્ચસ્વ છે, તેઓ ખેતી કરતાં વધારે કમાણી તેમના બોરવેલ અને પંપથી ખેંચાયેલું પાણી વેચીને કરે છે.

ગભરાયેલા ખેડૂતો તેમના ખેતરો માટે એકરદીઠ 7000 રુપિયા કે તેથી વધુના ખર્ચે "ભીનાશ" ખરીદી શકે છે. આનો અર્થ એવો પણ થાય કે જેટલું પણ પાણી હોય એ ભેગું કરી તેનો સંગ્રહ કરનાર પાડોશીને ચૂકવણી કરવા વારો આવે. તમે ભીનાશ માટેનું એ સંસાધન (પાણી) ટેન્કર લોડ દીઠ પણ ખરીદી શકો.

આવી વ્યવસ્થામાં વેપાર બહુ ઝડપથી સમુદાયને પાયમાલ કરી નાખે છે. રેડ્ડી પૂછે છે, "તમે કલ્પના પણ કરી શકો છો કે આ બધાથી અમારા એકર દીઠ ખેતીના ખર્ચ પર શી અસર પહોંચશે?" પાણીકળાઓ પણ હાઇવે પર અત્ર તત્ર સર્વત્ર ફરતા બોરવેલ ડ્રિલિંગ રિગ્સની સાથે મળીને તેમના કરતૂતો કરતા રહે છે. એમાંના એક (પાણીકળાઓ), બીજા (બોરવેલ ડ્રિલિંગ રિગ્સ) માટે કમાણીના માર્ગો મોકળા કરતા રહે છે. પીવાના પાણીની પણ મોટી સમસ્યા છે. હિન્દુપુર નગરના 1.5-લાખ રહેવાસીઓ પીવાના પાણી માટે વાર્ષિક અંદાજિત 8 કરોડ રુપિયા ખર્ચે છે. એક સ્થાનિક પાણીના માફિયાએ મ્યુનિસિપલ ઓફિસની આસપાસ જ મોટી મોટી મિલકતો ખરીદી છે.

PHOTO • P. Sainath

બોરવેલ-ડ્રિલિંગ રિગ્સ પાણીની અછતવાળા વિસ્તારોમાં ફરતા રહે છે

અંધશ્રદ્ધા, ગૂઢવિદ્યા, ભગવાન, સરકાર, ટેક્નોલોજી અને નાળિયેર, બધાને અનંતપુરની પાણીની શોધના મરણિયા પ્રયાસમાં જોતરવામાં આવ્યા છે. એ બધાની સંયુક્ત સફળતાનો દર પ્રભાવશાળી રહ્યો નથી

આખરે વરસાદ શરૂ થયો હોય તેવું લાગે છે. ચાર દિવસના વરસાદથી વાવણી આગળ વધતી જોવા મળશે. જેનો અર્થ છે ફરી પાછી આશા બંધાશે અને આત્મહત્યાની ઘટનાઓની સંખ્યામાં ઘટાડો જોવા મળશે. જોકે, હજી સમસ્યાનો ઉકેલ તો બહુ દૂરની વાત છે. સારો પાક થાય એ ખૂબ આવકારદાયક વાત હશે, પરંતુ તેનાથી અંદર ને અંદર ખદબદી રહેલી સમસ્યાઓ સપાટી પર આવશે.

અનંતપુરના ગ્રામીણ વિકાસ ટ્રસ્ટના ઇકોલોજી સેન્ટરના ડિરેક્ટર મલ્લા રેડ્ડી જણાવે છે, “વિચિત્રતા એ છે કે સારો પાક નવી આત્મહત્યાઓને પ્રેરી શકે છે. એક ખેડૂત સારી ઉપજમાંથી વધારેમાં વધારે 1 લાખ રુપિયા કમાઈ શકે. પરંતુ એક પછી એક પછી એક એમ વર્ષોના વર્ષો ઉપરાઉપરી નિષ્ફળ ગયેલા પાકને કારણે તેને માથે 5 થી 6 લાખ રુપિયાનું દેવું ચૂકવવાનું તો ચડેલું જ છે.  સંકટને કારણે ઘણા લગ્નો લંબાઈ ગયા છે. એ લગ્નો હવે ઉકેલવા પડશે.”

“એ ઉપરાંત નવા ઇનપુટના ભયાનક ખર્ચા. આ બધાને ખેડૂત શી રીતે પહોંચી વળશે? આગામી કેટલાક મહિના દરમિયાન લેણદારો તરફથી ભારે દબાણ રહેશે. અને દેવા-માફી કાયમ માટે તો નહીં રહે."

જ્યારે ખેડૂતોની સમસ્યાઓની વાત આવે છે, ત્યારે એ સમસ્યાઓ ક્યારેય ઝરમર વરસતી નથી પરંતુ બારે મેઘ ખાંગા થયા હોય એમ અનરાધાર વરસતી રહે છે. પાણીનાં સપનાં જોતાં જોતાં ખેડૂતો દેવામાં ડૂબતા રહે છે.

અનુવાદ: મૈત્રેયી યાજ્ઞિક

P. Sainath is Founder Editor, People's Archive of Rural India. He has been a rural reporter for decades and is the author of 'Everybody Loves a Good Drought' and 'The Last Heroes: Foot Soldiers of Indian Freedom'.

Other stories by P. Sainath
Translator : Maitreyi Yajnik

Maitreyi Yajnik is associated with All India Radio External Department Gujarati Section as a Casual News Reader/Translator. She is also associated with SPARROW (Sound and Picture Archives for Research on Women) as a Project Co-ordinator.

Other stories by Maitreyi Yajnik